Today Gujarati News (Desk)
મહારાષ્ટ્ર પેટાચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અહીં ભાજપ પોતાની પ્રતિષ્ઠિત બેઠક જાળવવામાં નિષ્ફળ ગઈ છે. ભાજપની આ બેઠક પર કોંગ્રેસે લાંબા સમય બાદ જીતી હાંસલ કરી છે. ભાજપ પાસેથી ગઢ પર કબજો જમાવવો એ કોંગ્રેસની મોટી ઉપલબ્ધિ મનાઈ રહી છે. જ્યારે તમિલનાડુ અને પ.બંગાળમાં પણ કોંગ્રેસે એક એક બેઠક જીતી લીધી છે.
મહારાષ્ટ્રની કસ્બા પેઠ અને ચિચવાડ પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. આ બંને બેઠકોમાંથી ભાજપની ગઢ કહેવાતી કસ્બા પેઠ પર કોંગ્રેસ-NCP ગઠબંધને કબજો જમાવ્યો છે. આ બેઠકમાં 27 વર્ષથી ભાજપ પાસે હતી, જોકે હવે કોંગ્રેસની જીત થઈ છે. આ બેઠક પર રાજ્યમાં સત્તાધારી ગઠબંધન પક્ષ ભાજપ-શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના ગઢ પર કોંગ્રેસે પગદંડો જમાવી દીધો છે, તો ગઢ કહેવાતી કસ્બા પેઠ બેઠકની પ્રતિષ્ઠા જાળવવામાં ભાજપ નિષ્ફળ ગઈ છે.
કસ્બા પેઠ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ધંગેકર અને ભાજપના ઉમેદાવાર હેમંત રસાને વચ્ચે ચૂંટણી જંગ હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ભાજપના ઉમેદવારને 10,000થી વધુ મતોથી પરાજય આપ્યો છે. ધંગેકરને 72,599 મત મળ્યા હતા, તો આ મતવિસ્તારમાં હેમંત રસાનેને 20 રાઉન્ડના અંતે 61,771 મતો મળ્યા છે. પોતાની જીતનો શ્રેય મતદારોને આપતા ધાંગેકરે જણાવ્યું કે, આ મતદારોની જીત છે કારણ કે તેઓએ મને જીતાડવાની જવાબદારી લીધી હતી.
હું મતવિસ્તારના લોકો માટે સખત મહેનત કરીશ અને મારા પર મૂકેલા વિશ્વાસને પૂર્ણ કરવાના તમામ પ્રયાસો કરીશ. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે, NCP નેતા અજિત પવાર અને શિવસેના (UBT)ના આદિત્ય ઠાકરેએ તેમને અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો.