Today Gujarati News (Desk)
દેશમાં લગભગ એક વર્ષ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગત વર્ષે એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર કર્યો હતો. ત્યારબાદ કેન્દ્રએ મે મહિનામાં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. ત્યારબાદ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે આ સમયગાળા દરમિયાન ક્રુડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો. હાલ દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા છે. ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમતો પ્રતિ લીટરે 100 રૂપિયાથી વધુ છે. જોકે ચૂંટણી નજીક આવતી હોવાથી લોકોને પેટ્રોલ-ડીઝલની મોંઘવારીમાંથી રાહત મળી શકે છે. આ વર્ષે ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને ત્યારબાદ આવતા વર્ષે દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે.
ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલ પર જુના નુકસાનની ચૂકવણી કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલ પર જુના નુકસાનની ચૂકવણી કરી દીધી છે. ઓઈલ કંપનીઓને પેટ્રોલના છૂટક વેચાણ પર દર લીટરે રૂપિયા પાંચનો ફાયદો થઈ રહ્યો છે. કંપનીઓને પ્રતિ લીટર ડીઝલ પર પણ એક રૂપિયાથી ઓછાનો ફાયદો થવા લાગ્યો છે. સૂત્રોના માનીએ તો પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઓઈલ કંપનીઓને તેમની સુવિધા અને માંગ અનુસાર પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ફેરફાર કરવાની અપીલ કરી છે.
ક્રુડની કિંમત
જોકે એક ઓઈલ કંપનીના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, કોઈપણ નિર્ણય ઉતાવળમાં લેવામાં આવશે નહીં. ક્રુડની કિંમતોમાં બુધવારે અને ગુરુવારે લગભગ બે ટકાનો ઘટાડો થયો. શુક્રવારે શરૂઆતના કારોબારમાં બ્રેંટ ક્રૂડ 0.28 ડૉલર એટલે કે 0.35 ટકા ઘટાડા સાથે 80.82 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો છે. એવી જ રીતે WTI પણ 1.87 ડોલર એટલે કે 2.36 ટકાના ઘટાડા સાથે 77.79 ડોલર પર છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ગત વર્ષે માર્ચમાં 2008 બાદ પ્રથમવાર પ્રતિ બેરલ ક્રુડની કિંમત 139 ડૉલરે પહોંચી ગઈ હતી.