Today Gujarati News (Desk)
પ્રાઈવેટ સ્કુલમાં ભણતા શાળાના વિદ્યાર્થીઓની ફી વધારાના કિસ્સા સામે આવતા રહે છે. મનમાની રીતે વધારવામાં આવતી ફી ની ફરિયાદો પણ ખૂબ આવે છે. પરંતુ હવે ફી ન ભરી શકતા બાળકોને જમીન પર બેસાડવાની ઘટના સામે આવી છે. એક કે બે દિવસ નહીં પરંતુ 4 મહિના સુધી સ્કુલ તંત્રએ વિદ્યાર્થીને કથિતરીતે જમીન પર બેસાડ્યો. ફી ન ચૂકવવા બદલ બાળકો અને તેમના પેરેન્ટ્સની સાથે કરવામાં આવતા આ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધવામાં આવી છે.
મુંબઈના એક અંગ્રેજી મીડિયમ સ્કુલનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીની માતા દ્વારા આપવામાં આવેલી પોલીસ ફરિયાદના આધારે સ્કુલના આચાર્ય અને બે શિક્ષિકાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીની માતા તરફથી પોલીસમાં સ્કુલ તંત્ર વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે સોમવારે મુંબઈના એક ઈંગ્લિશ મીડિયમ સ્કુલના આચાર્ય અને બે શિક્ષિકાઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ફરિયાદમાં માતા-પિતાએ 8 મા ધોરણની બાકી 7,500 રૂપિયા ફી ની ચૂકવણી ન કરવા બદલ વિદ્યાર્થીને 4 મહિના સુધી કથિતરીતે ક્લાસની બહાર જમીન પર બેસાડવાનો આરોપ લગાવ્યો છે. જેના આધારે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.
ફરિયાદમાં આરોપ લગાવાયો છે કે સ્કુલનો આ દ્રષ્ટિકોણ તેમના બાળક માટે શારીરિક અને માનસિક ત્રાસના સમાન છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે તેમનો બીજો બાળક જે તે જ સ્કુલમાં બીજા ધોરણમાં ભણે છે તેને પણ ફી ની ચૂકવણી ન કરવા બદલ પ્રાઈમરી સ્કુલની શિક્ષિકા દ્વારા અપમાનિત અને ભેદભાવપૂર્ણ વ્યવહારનો સામનો કરવો પડ્યો.