Today Gujarati News (Desk)
બંગાળમાં કેન્દ્રીય મંત્રી નિસિથ પ્રામાણિકના કાફલા પર પથ્થરમારો થયાના સમાચાર મળી રહ્યા છે. ભીડમાં એટલો ઉશ્કેરાટ જોવા મળ્યો હતો કે જેને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા છે. મંત્રી નિસિથ પ્રામાણિકે TMC સમર્થકો પર હુમલાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, જો રાજ્યમાં મંત્રી સુરક્ષિત નથી, તો તમે સામાન્ય માણસની દુર્દશાની કલ્પના તમે કરી શકો છો.
મળતી માહિતી મુજબ, આ ઘટના સમયે કેન્દ્રીય મંત્રી સ્થાનિક ભાજપ કાર્યાલય જઈ રહ્યા હતા. સ્થાનિકોના અહેવાલ અનુસાર, નિસિથ વિરુદ્ધ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કથિત ગોળીબારમાં એક આદિવાસીના મોતને લઈને લોકોમાં ગુસ્સો હતો. BSF ગૃહ મંત્રાલય હેઠળ આવે છે અને નિસિથ ગૃહ રાજ્ય પ્રધાન છે. તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જીએ પણ તાજેતરમાં કૂચબિહારમાં એક રેલીમાં નિસિથ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, મંત્રી દ્વારા આદિવાસીઓની ચિંતાઓને દૂર કરવા માટે કંઈ કરવામાં આવ્યું નથી.