Today Gujarati News (Desk)
પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીમાં છેલ્લા આઠ વર્ષથી પ્રમુખ પદે રહેલા દિનેશ પટેલે અચાનક રાજીનામું આપી દેતાં દૂધ ઉત્પાદકો અને સહકારી ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. તેમણે બોર્ડ ઓફ ડિરેક્ટરને રાજીનામું સોંપી દીધું છે. આ પહેલાં વિધાનસભાની ચૂંટણી વખતે અપક્ષ ઉમેદવારી કરતાં હોવાથી તેમણે ચૂંટણી લડવા માટે રાજીનામું આપ્યું હતું. દિનેશ પટેલની પ્રમુખ તરીકેની ટર્મ પુરી થવામાં 6 મહિનાનો સમય બાકી હતો. હવે તેમના રાજીનામા બાદ જી. બી. સોલંકીની કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરાઈ છે.
ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને રાજીનામું સોંપ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરા દૂધ ઉત્પાદક સંઘ બરોડા ડેરીમાંથી અચાનક રાજીનામું ધરી દીધું છે. તેમણે ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને રાજીનામું સોંપ્યું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષમાં મારા પ્રમુખ પદ તરીકે તમામનો સાથ સહકાર મળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર.
ભાજપે ટિકીટ કાપતાં અપક્ષ ચૂંટણી લડ્યાં હતાં
ભાજપે દિનેશ પટેલની આ વખતે ટિકીટ કાપતાં જ તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી. જેમાં તેઓ હારી ગયાં હતાં. તે ઉપરાંત ડિસેમ્બર 2020માં બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે સહકાર મંત્રીને પત્ર લખ્યા બાદ ધારાસભ્ય કેતન ઈનામદાર અને ડેરીના ચેરમેન દિનું મામા વચ્ચે આક્ષેપો-પ્રતિઆક્ષેપો થતા વિવાદ થયો હતો.
22 નવેમ્બરે જ ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતાં
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મોવડી મંડળ દ્વારા વડોદરા જિલ્લામાં અપક્ષ ઉમેદવાની નોંધાવીને બળવો કરનારા પાદરા બેઠકના પૂર્વ ધારાસભ્ય દિનુમામા, વાઘોડિયાના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા અને સાવલી બેઠક પરથી કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનારા કુલદિપસિંહ રાઉલને 22 નવેમ્બર 2022ની તારીખથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.