Today Gujarati News (Desk)
સિંગર બાદશાહને ‘સનક’ ગીતમાં ભગવાન શિવના નામ પર આપત્તિજનક શબ્દો પર વિવાદ ઉભો થઈ ગયો હતો. મહાકાલ મંદિરના પૂજારી અને પુરોહિતોએ 10 દિવસમાં ગીત બદલવાની માંગણી કરી હતી. FIR કરવાની ચેતવણી પણ આપી હતી. વિવાદ વધ્યા બાદ બાદશાહે માફી માંગીને પોતાના ગીતના શબ્દો બદલવાની વાત કહી હતી. હવે બાદશાહે ગીતમાંથી શિવનું નામ હટાવી દીધું છે.
મહાકાલ મંદિરના પૂજારીઓએ બાદશાહને બાબા મહાકાલના દર્શન કરીને આશીર્વાદ લેવાની સલાહ આપી છે. બાદશાહનું સનક ગીત ખૂબ જ ચર્ચામાં હતું. આ ગીતને એક મહિનામાં 25 મિલિયન લોકોએ જોયું હતું.
સનક ગીતના પ્રખ્યાત ગાયક બાદશાહે 5 દિવસના વિવાદ બાદ માફી માંગી છે અને 10 દિવસમાં ગીતમાંથી ભગવાન શિવ પરના વિવાદાસ્પદ શબ્દને હટાવી દીધો છે. સિંગરે માફી માંગતા કહ્યું હતું કે, ‘સનક ગીતના શબ્દોથી કેટલાક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે, હું ક્યારેય કોઈની લાગણીને જાણતા-અજાણ્યે ઠેસ પહોંચાડવા માંગતો નથી અને ન કર્યારેય પહોંચાડીશ. હું મારી કલાત્મક રજૂઆતને મારા ચાહકો માટે પૂરી ઈમાનદારી સાથે લાવું છું. તાજેતરના આ ગીતમાં, મેં ગીતના કેટલાક ભાગો બદલવા વિશે વાત કરી છે. તેણે કહ્યું હતું કે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પરથી ગીતને ફરીથી સંપાદિત કરીને અને વિવાદાસ્પદ શબ્દોને દૂર કરવામાં આવ્યા છે.’ જો કે આ ગીત હજુ સુધી યુટ્યુબ પરથી ડીલીટ કરવામાં આવ્યું નથી.
બીજી તરફ મહાકાલ મંદિરના પૂજારી મહેશ શર્માએ કહ્યું હતું કે, બાદશાહે પોતાનું વચન પાળ્યું છે અને સનાતન ધર્મની રક્ષા માટે તેમણે ગીતમાંથી વિવાદાસ્પદ શબ્દો પણ હટાવી દીધા છે. તેમણે મહાકાલ મંદિરમાં આવીને ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા જોઈએ.
શું હતો મામલો
રેપ સિંગર બાદશાહના ‘સનક’ ટાઈટલથી આવેલા ગીતમાં ભગવાન શિવ પર આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કરવા પર 18 એપ્રિલના રોજ મહાકાલ મંદિરના પૂજારી અને પંડિતો તથા કેટલાક શ્રદ્ધાળુઓએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે ગીતમાં વિવાદિત અને આપત્તિજનક શબ્દો વચ્ચે ભગવાન મહાદેવનું નામ લેવા પર વાંધો ઉઠાવ્યો હતો. બાદશાહને ગીતમાંથી ભગવાન શિવનું નામ હટાવવા અને માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું. તેને કડક ચેતવણી આપી હતી કે જો ગીતમાંથી શબ્દો દૂર કરવામાં નહીં આવે તો એફઆઈઆર દાખલ કરવામાં આવશે. મામલો ઉગ્ર બન્યા બાદ બાદશાહે 5 દિવસ પછી 24 એપ્રિલના રોજ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર માફી માંગી હતી. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે હું વિનમ્રતાથી તે તમામ લોકોની માફી માંગુ છું જેમને અજાણતા મારાથી દુઃખ પહોંચ્યું છે. થોડી ધીરજ રાખો ગીતમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે તેમાં થોડો સમય લાગશે મારા બધા ચાહકો મારો આધાર છે. બાદશાહે ગીતના શબ્દોમાં સુધારો કરીને તેને ફરીથી રિલીઝ કરવાની વાત કરી હતી અને 28 એપ્રિલના રોજ ગીતના શબ્દો બદલીને સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યા છે.