Today Gujarati News (Desk)
બિહાર વિધાનસભામાં ભારે હંગામો જોવા મળ્યો હતો. ભાજપના ધારાસભ્ય લખેંદ્ર પાસવાને ગુસ્સામાં આવીને માઇક તોડી નાખ્યું હતું, આ ઉપરાંત અત્યંત ખરાબ વર્તન કરવા બદલ તેમને વિધાનસભામાંથી બે દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેથી ભાજપના અન્ય ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો.વિધાનસભામાંથી સસ્પેન્ડ થયા બાદ ધારાસભ્ય લખેંદ્રએ પોતાનો બચાવ કર્યો હતો. અને કહ્યું હતું કે મે માઇક નથી તોડયું, માઇક ઉખડી ગયું હતું. હું વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લઇ રહ્યો હતો, મારો બોલવાનો વારો આવ્યો ત્યારે મારા માઇક્રોફોને કામ કરવાનું બંધ કરી દીધુ હતું, મે માઇક્રોફોનને ઠીક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી એની મેળે તે બહાર આવી ગયું હતું, મે કોઇ માઇક તોડયું નથી. સાથે તેમણે આરોપ લગાવ્યો હતો કે ડાબેરી પક્ષના ધારાસભ્ય સત્ય દેવ રામે મારી સાથે અત્યંત ખરાબ ભાષામાં વાત કરી હતી. હું એક દલિત ધારાસભ્ય હોવા છતા મારી સાથે આ પ્રકારનું વર્તન ઠીક નથી. જોકે આ દરમિયાન ડાબેરી અને ભાજપના ધારાસભ્યો વચ્ચે હંગામો શરૂ રહ્યો હતો. ડાબેરી પક્ષ કે જેઓ નિતિશ કુમારની સરકારને બહારથી ટેકો આપી રહ્યો છે, તેના ધારાસભ્ય સત્યદેવ રામે કહ્યું હતું કે મે કોઇ હંગામો નથી કર્યો, વિધાનસભાના સીસીટીવી ફૂટેજ ચેક કરી શકો છો. જેમાં સ્પષ્ટ દેખાશે કે ભાજપ દ્વારા જ ઉશ્કેરણી કરવામાં આવી હતી.