Today Gujarati News (Desk)
બેંગલુરુ : થોડા દિવસ પહેલા દિલ્હીના કંઝાવાલામાં મહિલાની સ્કુટીને ટક્કર મારીને તેને ૧૩ કિલોમીટર સુધી ઢસેડવાનો મામલો સામે આવ્યો હતો. કર્ણાટકની રાજધાની બેંગલુરુનો આવો જ એક કરુણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીં, વૃદ્ધ સ્કુટી સાથે લટકેલો છે, પરંતુ તેમની ચિંતા કર્યા વિના ચાલક તેમને ૧ કિલોમીટર સુધી ખેંચી જાય છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, બેંગલુરુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં વૃદ્ધને સ્કુટી સાથે લટકેલો જોઈ શકાય છે. જ્યારે ક્રુર સ્કુટી ચાલક વૃદ્ધના જીવની ચિંતા કર્યા વિના તેમને ઢસડી રહ્યો છે. એક રીક્ષાચાલકે તેની રીક્ષા સ્કુટીની સામે ઊભી કરી દેતા ક્રુર ચાલકને રોકાવાની ફરજ પડી હતી.
આ મામલામાં હદ્દ ત્યારે થઈ જ્યારે, ક્રુર સ્કુટીચાલકે પોતાની ભૂલ માનવાની જગ્યાએ વૃદ્ધને જવાબદાર ઠેરવ્યો હતો.
એક રિપોર્ટ મુજબ, વૃદ્ધની ઉંમર ૭૨ વર્ષની હોવાનું માનવામાં આવી રહ્યું છે. બેંગલુરુના મગાડી રોડ ઉપર રોન્ગ સાઈડમાંથી આવતા સ્કુટીએ ટાટા સુમો કારને ટક્કર મારી હતી.
જ્યારે, ટાટા સુમો કાર ચાલકે અકસ્માત સર્જનારને રોકવાનો પ્રયાસ કરતા આરોપીએ પોતાની સ્કુટી ભગાવી હતી. સ્કુટી સાથે ૧ કિલોમીટર સુધી ઢસડાતા વૃદ્ધની પરવાહ કર્યા વિના તેણે સ્કુટી હંકારતા પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં દિલ્હીમાં કારચાલકે મહિલાને ઢસડતા તેનું મૃત્યુ થયુ હતું.