Today Gujarati News (Desk)
ગુજરાતની દીકરીનું વિદેશની ધરતી પર અકસ્માતને કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટનામાં ભોગ બનનાર રીયા પટેલ બે મહિના પહેલા જ ગુજરાતથી સિડનીમાં ઉચ્ચ અભ્યાસ માટે ગઈ હતી. ભારતીય-ઓસ્ટ્રેલિયન કમિટીએ મૃતક રિયા પટેલના મૃતદેહને ઓસ્ટ્રેલિયાખી ભારત મોકલવા માટે 34,000 થી વધુ ડોલર એકત્ર કર્યા છે, આ દીકરી સીડનીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. રીયાના પિતરાઈ ભાઈ શૈલેષ પટેલ કે જેઓ ન્યૂ સાઉથ વેલ્સ (NSW)માં રહે છે. જેમના દ્વારા ફંડ એકત્ર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મિત્રો સાથે સિડનીથી વોલોન્ગોંગ જઈ રહી હતી રીયા
20 વર્ષની ઉંમરની રીયા બે મહિના પહેલા જ ગુજરાતથી સીડનીમાં અભ્યાસ કરવા આવી હતી. મહત્વનુ છે કે, 16 એપ્રિલે બપોર દરમ્યાન રીયા તેના મિત્રો સાથે સીડનીથી વોલોન્ગોંગ જઈ રહી હતી. કમનસીબે, કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને વાહન વિલ્ટન ખાતે પિકટન રોડ નજીક હ્યુમ મોટરવે પર ઊંધું વળ્યું.
ઘટના બાદ સમગ્ર રસ્તાને કોર્ડન કરાયા
પોલીસ અને NSW એમ્બ્યુલન્સ પેરામેડિક્સના હજાર પ્રયત્નો છતાં, રીયા બચી શકી નહીં. ઘટના બાદ સમગ્ર રસ્તાને કોર્ડન કરી દેવામાં આવ્યું હતું. દક્ષિણ તરફના તમામ ટ્રાફિકને નરેલન આરડી કેમ્પબેલટાઉન ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને તેના બદલે એપીન આરડી અથવા કેમડેન બાયપાસ, ઓલ્ડ હ્યુમ હાઇવે અને રિમેમ્બરન્સ ડ્રાઇવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.