Today Gujarati News (Desk)
દેશમાં ફરી ખાદ્ય ચીજો મોંઘી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. દેશની આબોહવામાં પરિવર્તન, વરસાદની અનિશ્ચિતતા, સ્થાનિક અને વૈશ્વિક કક્ષાએ અતિશય માંગના કારણે આગામી નાણાંકીય વર્ષમાં અનાજના ભાવ ઊંચા જઈ શકે છે. આ બાબતે ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે આપેલી જાણકારી મુજબ તાજેતરનાં જે પરિસ્થિતિ છે તે મુજબ હાલના સમયમાં અનાજમાં ભાવમાં વધારો થવાની કોઈ શક્યતા નથી. પરંતુ વૈશ્વિક કારણોને લીધે દેશમાં અનાજનો ભાવ વધી શકે તેવો અંદાજ છે. અને તેના કારણે આવનારા સમયમાં ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થશે.
છેલ્લા 50 વર્ષોમાં ખાધ્ય પદાર્થો સ્થાનિક ઉત્પાદન સતત વધી રહ્યુ છે
ક્રિસિલના રિપોર્ટ મુજબ તાજેતરમાં જ ક્રિસિલના રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે છેલ્લા 50 વર્ષોમાં ખાધ્ય પદાર્થો સ્થાનિક ઉત્પાદન સતત વધી રહ્યુ છે. પરંતુ નાણાકીય વર્ષ 2017-22 દરમ્યાન વાર્ષિક ધોરણે અનાજના પાકોના ઉત્પાદન માટે સરેરાશ ભાવ સુચકાંક 3-4 ટકા રહ્યો છે.
માંગમા સતત વધારો થવાના કારણે આવનારા સમયમાં ખાદ્ય ચીજોના ભાવમાં પણ વધારો થઈ શકે છે
અત્રે એક વાત ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષમાં પહેલાના નવ મહિનામાં અનાજના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમા ઘઉં અને ડાંગરમાં 8-11 ટકા તેમજ જુવાર અને બાજરીમાં 27-31 ટકાનો વધારો થયો છે. ક્રિસિલના જણાવ્યા પ્રમાણે વર્તમાન રવિ સિઝનમાં ઘઉંના વધુ ઉત્પાદનના અપેક્ષાથી સ્ટોકની સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે જેથી કરીને ભાવ પરનું દબાણ ઓછુ આવી શકે છે. અને જો ચોમાસુ સિઝન સારી રહે તો ડાંગર, મકાઈ અને બાજરી જેવા ખરીફ પાકો માટે ઉત્પાદનની અપેક્ષા વધવાની શક્યતા રહે છે. રિપોર્ટમાં એક વાત ખાસ મહત્વની છે કે આ ખરીફ પાક માટે વરસાદને અસર કરી છે અને દુકાળની સ્થિતિ પણ આવી શકે છે.