Today Gujarati News (Desk)
ભારતમાં ઉત્પાદિત વધુ એક કફ સિરપની ગુણવત્તા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. મેડિકલ એલર્ટ જારી કરીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ભારતમાં ઉત્પાદિત કફ સિરપને દૂષિત ગણાવી છે. WHOએ કહ્યું છે કે માર્શલ આઇલેન્ડ અને માઇક્રોનેશિયામાં ભારતીય કંપનીની કફ સિરપ દૂષિત મળી આવી છે.
ઓસ્ટ્રેલિયન રેગ્યુલેટર દ્વારા આ કેમિકલની ઓળખ કરવામાં આવી
જોકે, આ મેડિકલ એલર્ટમાં WHOએ એ નથી જણાવ્યું કે ભારતમાં બનેલા કફ સિરપને કારણે કોઈ જાનહાનિ થઈ છે કે કેમ. પરંતુ, WHO માને છે કે Guaifenesin Syrup TG Syrup સાથે Diethylene Glycol અને Ethylene Glycolની માત્રા મળી આવી છે. તેના ઉપયોગથી મનુષ્યના જીવ જોખમમાં મુકાઈ શકે છે. ઓસ્ટ્રેલિયન રેગ્યુલેટર દ્વારા આ કેમિકલની ઓળખ કરવામાં આવી હતી. 6 એપ્રિલે આ માહિતી WHOને આપવામાં આવી હતી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોઈ જવાબ મળ્યો નથી
જોકે, WHOના આ એલર્ટ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોઈ જવાબ મળ્યો નથી. સૂત્રોનું કહેવું છે કે WHOનો ઈમેલ મળ્યા બાદ હરિયાણા અને પંજાબ સરકારોને આ મામલે તાત્કાલિક પગલાં લેવાની ભલામણ કરવામાં આવી હતી.
પંજાબ-હરિયાણાની કંપનીના નામ સામે આવ્યા
WHOએ માહિતી આપી છે કે પંજાબની QP ફાર્માકેમ લિમિટેડ કંપની આ કફ સિરપ બનાવે છે. કંપનીએ અન્ય દેશોમાં વિતરણ માટે હરિયાણા સ્થિત ટ્રિલિયમ ફાર્મા નામની કંપની સાથે જોડાણ કર્યું છે. આ મામલે આ બંને કંપનીઓ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. WHOએ તમામ સભ્ય દેશોને આ કફ સિરપનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. WHOનું કહેવું છે કે આ બંને કંપનીઓએ WHOને કફ સિરપની સુરક્ષા અને ગુણવત્તા અંગે કોઈ ગેરેંટી આપી નથી.
ત્રીજી વખત ગુણવત્તા પર સવાલો ઉભા થયા
આ પહેલીવાર નથી કે જ્યારે વર્લ્ડ ફાર્મસી તરીકે ઓળખાતા ભારતમાં નિર્મિત દવાઓની ગુણવત્તા પર સવાલો ઉભા થયા હોય. અગાઉ WHOએ બે વખત એલર્ટ જારી કર્યું છે. ભારતમાં વિવિધ ઉત્પાદકો દ્વારા બનાવવામાં આવતી સિરપમાંથી ગામ્બિયા, ઇન્ડોનેશિયા અને ઉઝબેકિસ્તાનમાં 300 થી વધુ બાળકો કિડનીને નુકસાન થવાથી મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે. જોકે, ભારતીય નિયમનકારી સંસ્થાઓની તપાસમાં આ દવાઓની બેચ સંપૂર્ણપણે સલામત હોવાનું જાણવા મળ્યું હતું.