Today Gujarati News (Desk)
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) એ ભારતમાં બેરોજગારીના આંકડા જાહેર કર્યા છે. આ ડેટા અનુસાર માર્ચ મહિનામાં ભારતમાં બેરોજગારીનો દર ઝડપથી વધ્યો છે, જે ત્રણ મહિનાની ટોચે પહોંચી ગયો છે. આ બેરોજગારી એવા સમયે સામે આવી છે જ્યારે ભારત સહિત વૈશ્વિક સ્તરે કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે. ઘણી દિગ્ગજ કંપનીઓએ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે અને આ આંકડો વધુ વધી શકે છે.
ડિસેમ્બર-જાન્યુઆરીમાં બેરોજગારીની સ્થિતિ કેવી હતી?
દેશમાં બેરોજગારીનો દર ડિસેમ્બર 2022માં વધીને 8.30 ટકા થઈ ગયો હતો, પરંતુ જાન્યુઆરીમાં ઘટીને 7.14 ટકા થઈ ગયો હતો. શનિવારે જાહેર કરાયેલા CMIE ડેટા અનુસાર ફેબ્રુઆરીમાં બેરોજગારી ફરી વધી અને તે વધીને 7.45 ટકા થઈ ગઈ. જ્યારે માર્ચના નવા ડેટા અનુસાર ભારતમાં બેરોજગારી દર 7.8 ટકાના ઉચ્ચ સ્તરે છે.
શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીની કેવી છે સ્થિતિ?
CMIEના ડેટા અનુસાર ભારતના શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર માર્ચમાં 8.4 ટકા પર પહોંચી ગયો છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી 7.5 ટકા છે. CMIEના મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસે જણાવ્યું કે માર્ચ 2023માં ભારતનું લેબર માર્કેટ પર માઠી અસર થઈ છે. બેરોજગારી વધવાનું સૌથી મોટું કારણ દેશમાં મોટી છટણી છે, જે 39.8 ટકા છે. મહેશ વ્યાસે જણાવ્યું કે લેબર માર્કેટની સ્થિતિ બગડવાને કારણે રોજગાર દર ફેબ્રુઆરીમાં 36.9 ટકાથી ઘટીને માર્ચમાં 36.7 ટકા થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન કર્મચારીઓની સંખ્યા પણ 409.9 મિલિયનથી ઘટીને 407.6 મિલિયન થઈ છે.