Today Gujarati News (Desk)
સૈન્ય વિમાનો અને નૌકાદળના જહાજ પહોંચ્યા સુદાન
સુદાનમાં ગૃહયુદ્ધમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વાયુસેનાના બે C-130 વિમાન અને નેવીનું INS સુમેધા સાઉદી અરેબિયા અને સુદાન પહોંચ્યા છે. વાયુસેનાના જહાજો સાઉદી અરેબિયાના જેદ્દાહમાં તૈનાત છે, જ્યારે INS સુમેધા સુદાનના બંદરે પહોંચી ગયું છે. આ માહિતી વિદેશ મંત્રાલયે આપી છે.
વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વીટ કર્યું કે, “સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન કાવેરી શરુ કરવામાં આવ્યું છે. લગભગ 500 ભારતીયો પોર્ટ સુદાન પહોંચ્યા છે. વધુ ભારતીયોની બચાવ કામગીરી શરુ છે. ભારતીય જહાજો અને વિમાન તેમને ઘરે લઇ જશે. ભારત સુદાનમાં આપણા તમામ ભાઈઓને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.” ભારત ઉપરાંત ઘણા દેશો સુદાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચલાવી રહ્યું છે.
સુદાનના સત્તાવાળાઓના સંપર્કમાં ભારતીય વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, ભારત સુદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે, અમે સુદાનમાં સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમે સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે વિવિધ પાસાઓ પર પણ કામગીરી કરી રહ્યા છીએ. વિદેશ મંત્રાલય તેમજ સુદાનમાં ભારતીય દૂતાવાસ સુદાનના સત્તાવાળાઓ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), ઈજિપ્ત અને યુએસના સતત સંપર્કમાં છે. અમારી તૈયારીઓના ભાગરૂપે ભારત સરકાર આ મિશનને ઝડપથી પૂર્ણ કરવા માટે ઘણા વિકલ્પો પર કામ કરી રહી છે