Today Gujarati News (Desk)
ભારતે ઓસ્ટ્રેલિયા સામે આગામી 3 મેચની ODI શ્રેણી (IND vs AUS) માટે તેની ટીમની જાહેરાત કરી છે. પ્રથમ વનડેમાં રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા સુકાની કરશે. રોહિત અંગત કારણોસર પ્રથમ વનડેમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની શ્રેણીની પ્રથમ વનડે 17 માર્ચે રમાશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પ્રથમ વખત મુખ્ય પસંદગીકાર વિના ટીમની જાહેરાત કરી છે. સ્ટિંગ બાદ ચેતન શર્માએ તાજેતરમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, જેને બીસીસીઆઈએ સ્વીકારી લીધું હતું. અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વનડે શ્રેણીમાં વાપસી થઈ છે. ઈજામાંથી સાજા થયા બાદ જાડેજાએ તાજેતરમાં ટેસ્ટ શ્રેણીમાં શાનદાર વાપસી કરી છે. તેણે કાંગારૂઓ સામે ભારતને 2-0થી લીડ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદરને સ્પિનર્સ તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે જ્યારે આર અશ્વિન બહાર છે. ઈશાન કિશન વિકેટકીપર બેટર તરીકે ટીમમાં રમતો જોવા મળશે.
જો કે લોકેશ રાહુલને વધુ એક વખત ટીમમાં સ્થાન મળ્યું છે. સૌને આ નિર્ણયના કારણે આશ્ચર્ય પણ થયું છે ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે રાહુલને હજુ કેટલા ચાન્સ મળશે.
ભારત vs ઓસ્ટ્રેલિયા ODI શ્રેણી શેડ્યૂલ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ODI 17 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. શ્રેણીની બીજી વનડે 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં અને ત્રીજી અને છેલ્લી વનડે ચેન્નાઈમાં રમાશે. અને ત્રણેય વનડે ભારતીય સમય મુજબ બપોરે 1.30 વાગ્યાથી રમાશે.