Today Gujarati News (Desk)
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ પંજાબ પહોંચી છે. અહીં જલંધર લોકસભા સાંસદ સંતોખ સિંહ ચૌધરીનું યાત્રા દરમિયાન અચાનક એટેકથી નિધન થયું હતુ. આ ઘટના બાદ યાત્રાને મોકૂફ રાખવામાં આવી હતી. ફરી પછી યાત્રા લગભગ 30 કલાક પછી ગઈકાલે બપોરે જલંધરથી શરૂ થઈ હતી. આ યાત્રા પંજાબમાં આગામી ત્રણ દિવસ સુધી શરુ રહેશે. પરંતુ રાહુલ ગાંધી સામે આ યાત્રાને લઇ સૌથી મોટો પડકાર એ છે પાર્ટી વચ્ચેના મતભેદને દૂર કેવી રીતે કરી શકાય.
પંજાબ કોંગ્રેસનું વિભાજન એ કોઈ નવી વાત નથી. પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહ અને પાર્ટીના પૂર્વ રાજ્ય પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુના એકબીજાના વફાદાર જૂથો હતા પરંતુ હવે બંને વચ્ચેના અણબનાવ લોકોની નજરમાં રહ્યા છે. સિદ્ધુ અને અમરિંદરની લડાઈ લાંબા સમય સુધી ચાલ્યા બાદ અમરિંદર સિંહને રાજીનામું આપવાની ફરજ પડી હતી. અમરિંદર બાદ ચરણજીત સિંહ ચન્નીને પંજાબના સીએમ બનાવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ 2022ની ચૂંટણી માટે સિદ્ધુની જગ્યાએ પાર્ટીના સીએમ ઉમેદવાર તરીકે ચન્નીને પસંદ કર્યા પછી આ સંઘર્ષ વધુ તીવ્ર બન્યુ હતુ.
પંજાબ રાજ્યમાં કોંગ્રેસે હાલ પોતાની પહેલા જેવી પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે. પાર્ટીના ઘણા દિગ્ગજઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. કેપ્ટન અમરિંદર સિંહ ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાઈ ગયા હતા. ચૂંટણી બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુનીલ જાખડ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર, બલબીર સિંહ સિદ્ધુ, સુંદર શ્યામ અરોરા, રાજ કુમાર વેરકા, રાણા ગુરમિત સિંહ સોઢી જેવા ઘણા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. પંજાબમાં હાર બાદ સિદ્ધુએ પણ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે.
આગામી વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને મળેલી પ્રશંસા શું ચુંટણીમાં લોકોના મત મળવી શકશે? પંજાબમાં લોકસભાની 13 બેઠકો છે. વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ હવે કોંગ્રેસનું ધ્યાન આ લોકસભા બેઠકો પર રહેશે. હાલ કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણી જીતવા માટે રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. લોકસભા ચૂંટણી 2019ના પરિણામો પર નજર કરીએ તો કોંગ્રેસે 13માંથી 8 બેઠકો જીતી હતી. કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર છેલ્લી વખત જીતેલી લોકસભા બેઠકો બચાવવાનો છે. છેલ્લી ચૂંટણીમાં શિરોમણી અકાલી દળને બે લોકસભા અને ભાજપને બે બેઠકો મળી હતી. આ વખતે આમ આદમી પાર્ટીના પ્રવેશથી કોંગ્રેસને મોટું નુકસાન થઇ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.