Today Gujarati News (Desk)
કોંગ્રેસની ભારત જોડો યાત્રા હવે પોતાના અંતિમ તબક્કા તરફ વધી રહી છે. આ કડકડતી ઠંડીમાં પણ રાહુલ ગાંધી ગરમ કપડા પહેરવાનું ટાળી રહ્યા છે. આ કારણે રાહુલ ગાંધીની ટી-શર્ટની ખૂબ ચર્ચા થઈ રહી છે.
દિલ્હીની હાડ થીજવતી ઠંડીમાં પણ રાહુલ ગાંધી માત્ર ટી-શર્ટમાં જ જોવા મળી રહ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે રાહુલ ગાંધી જે સફેદ ટી-શર્ટ પહેરે છે, તેને ધોવા માટે તેમની સાથે એક આખી ટીમ ચાલે છે. વિશ્વાસ કરવો અઘરો છે પરંતુ એક રિપોર્ટમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈની એક ટીમ રાહુલ ગાંધીની ટી-શર્ટ અને કપડા ધોવા માટે ભારત જોડો યાત્રાના કાફલામાં ચાલે છે.
દાવો કરવામાં આવ્યો છે કે જે ટી-શર્ટને પહેરીને રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં ચાલી રહ્યા છે. તેને ધોવા માટે આખી અલગ ગાડી છે, જેમાં મુંબઈની તે ટીમ રહે છે જે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના પણ કપડા ધોવે છે. જે ગાડીમાં આ બધુ કામ થાય છે, તે માટે અલગથી એક અન્ય ગાડીમાં જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
રાહુલ ગાંધીની સાથે ભારત જોડો યાત્રા દરમિયાન તેમના કપડાને ધોવા અને પ્રેસ કરવા માટે ટીમની સેવા લેવામાં આવી રહી છે. આ ટીમ રાહુલ ગાંધીની ટી-શર્ટ સિવાય દરરોજ કોંગ્રેસ નેતાઓના લગભગ 200 કપડાને ધોવે છે. આ ટીમ વોશિંગ મશીન દ્વારા કપડા ધોવે છે. આ ટીમમાં ચાર લોકો છે જે ભારત જોડો યાત્રાની શરૂઆતથી જ સાથે ચાલી રહ્યા છે. આ ટીમ તે ટેન્ટમાં રોકાય છે જ્યાં રાહુલ ગાંધી રોકાય છે.
ઉલ્લેખનીય છેકે ભારત જોડો યાત્રા દક્ષિણ ભારતના રાજ્યો તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને યુપી બાદ શ્રીનગર પહોંચશે. હાલ ભારત જોડો યાત્રા પંજાબમાં છે.