Today Gujarati News (Desk)
ભારતે ભૂકંપગ્રસ્ત તુર્કેઈમાં રાહત સામગ્રી મોકલવાની શરૂઆત કરી દીધી છે. વડા પ્રધાન કાર્યાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાતના થોડા સમય પછીથી જ ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા રાહત સામગ્રીની વસ્તુનો જથ્થો તુર્કેઈ મોકલવામાં આવ્યો છે. તુર્કેઈમાં અને સીરિયામાં વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં 4,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તુર્કેઈમાં ગઈકાલે 7.8, 7.6 અને 6.0ની તીવ્રતાના સતત ત્રણ વિનાશક ભૂકંપ આવ્યા હતા.
ભારત દ્વારા મોકલવામાં આવેલ રાહત માલસામાનમાં વિશેષજ્ઞ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની બચાવ ટીમને પણ ત્યાં મોકલવામાં આવી છે. પુરૂષ અને સ્ત્રી બંને કર્મચારીઓ, કુશળ ડોગ સ્ક્વોડ, તબીબી પુરવઠો, અદ્યતન ડ્રિલિંગ સાધનો અને રાહત પ્રયત્નો માટે જરૂરી અન્ય સાધનોનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે જાણકારી આપી હતી.
ગઈકાલે, ભારત સરકારે ભૂકંપગ્રસ્ત તુર્કેઈમાં તાત્કાલિક NDRFની સર્ચિંગ અને બચાવ ટીમો, તબીબી ટીમો અને રાહત સામગ્રી મોકલવાનો નિર્ણય લીધો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અસરગ્રસ્ત દેશને તમામ શક્ય મદદ આપવાના નિર્દેશ આપ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું.
ચાર દેશોમાં ભૂકંપનો હાહાકાર
ગઈકાલે આવેલા ભૂકંપને કારણે તુર્કેઈ અને સીરિયા સહિત ચાર દેશોમાં ભારે તબાહી સર્જાઈ હતી. આખા દિવસમાં ત્રણ વખત અહીં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. તુર્કેઈમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
15000 થી વધુ લોકો ઘાયલ
મળતા અહેવાલો મુજબ, તુર્કેઈ અને સીરિયામાં ઓછામાં ઓછા 4000 લોકોના મૃત્યુ થયા છે અને 15000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. દેશના વાઇસ પ્રેસિડેન્ટના અહેવાલ મુજબ, 10 શહેરોમાં 1,700 થી વધુ ઇમારતોને નુકસાન થયું છે. તેમજ સીરિયામાં ઓછામાં ઓછા 783 લોકોના જીવ ગયા અને 639 ઘાયલ થયા છે. ઈઝરાયલ અને લેબનોનમાં પણ અનેક મોતની આશંકા સેવાઈ રહી છે.