Today Gujarati News (Desk)
હિમાલયના ખોળામાં આવેલું ભુટાન દુનિયાભરમાં તેની સુંદરતાને કારણે પણ પ્રસિદ્ધ છે અને પ્રવાસીઓ વચ્ચે તે પસંદગીનું ટુરિસ્ટ ડેસ્ટિનેશન પણ છે. જોકે આ વખતે ભુટાન એક નવા અહેવાલને કારણે ચર્ચામાં છે. તાજેતરના અહેવાલ અનુસાર ભુટાનની સરકાર દ્વારા ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં ભુટાનની મુલાકાતે આવનારા ટુરિસ્ટને ટેક્સ ફ્રી સોનું ખરીદવાની ઓફર કરવામાં આવી છે.
કયા પ્રવાસી લાભ લઈ શકશે
એક અહેવાલ અનુસાર ભારતીયો અને અન્ય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી(SDF)ચૂકવતા પ્રવાસીઓ જ આ યોજનાનો લાભ લઈ શકશે. ભુટાનમાં આવેલા ફુએન્ટશોલિંગ અને કે થિમ્પુની મુલાકાતે આવતા પ્રવાસીઓને હવે અહીં સોનું ખરીદવાની તક મળશે એ પણ ટેક્સ ફ્રી. એટલે કે અહીં સોનું ખરીદવા માટે ભારતીય કે SDF ચૂકવતાં પ્રવાસીઓને આ લાભ મળશે.
ક્યાંથી ખરીદી શકાશે આ સોનું?
આ સોનું નાણામંત્રાલયની માલિકી હેઠળના ડ્યુટી ફ્રી આઉટલેટ દ્વારા વેચાણ કરવામાં આવશે. જ્યાં સામાન્ય રીતે લક્ઝરી આઈટમ વેચવામાં આવે છે. ડ્યુટી ફ્રી આઉટલેટને આ રીતે વેચાણથી કોઈ ફાયદો થવાનો નથી પરંતુ તેનો ઉદ્દેશ્ય દેશમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો છે.
આ શરતનું કરવું પડશે પાલન
જોકે આ પ્રવાસીઓ ટેક્સ ફ્રી સોનું ખરીદવા માગતા હોય તો તેમના માટે એક શરત પણ રાખવામાં આવી છે. તેમણે ભુટાનના આ શહેરોમાં આવેલી સર્ટિફાઈડ હોટેલમાં રોકાવું પડશે અને તેની સાથે જ તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફીની ચૂકવણી પણ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે ભુટાનમાં ભારત કરતાં સોનાનો ભાવ ખૂબ જ ઓછો છે.
ભારતમાં વિદેશથી કેટલું સોનું ટેક્સ ફ્રી લાવી શકાય? નિયમ શું કહે છે?
ભારતના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાઈરેક્ટ ટેક્સિઝ એન્ડ કસ્ટમ(CBIC) વિભાગના નિયમો અનુસાર દરેક ભારતીય પુરુષ 50,000 રુપિયાનું સોનું એટલે કે 20 ગ્રામ અને દરેક ભારતીય મહિલા 100,000 લાખ રુપિયાનું એટલે કે 40 ગ્રામ જેટલું સોનું વિદેશથી ટેક્સ ફ્રી લાવી શકે છે.