Today Gujarati News (Desk)
અમદાવાદઃ ગુજરાતી કિરણ પટેલ પોતાને PMO સાથે જોડાયેલો હોવાનું કહીને બુલેટપ્રૂફ વાહન અને સિક્યોરિટી સાથે કાશ્મીરમાં ફરતો પકડાયો છે. કિરણ પટેલને પકડ્યા બાદ આ કેસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. તે અમદાવાદમાં પણ કરોડો રૂપિયાની ઠગાઈ કરી ચૂક્યો હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. કિરણ પટેલ પોતાની ઓળખ વડાપ્રધાનના કાર્યાલયમાં એડિશનલ ડિરેક્ટર (સ્ટ્રેટેજી અને કેમ્પેઈન) તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું. તેની 3 માર્ચે ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલમાં આવ્યો છે. તેના 17 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
વડાપ્રધાન કાર્યાલયમાં મહત્વની જવાબદારી સંભાળતો હોવાનું કહીને લોકોની આંખમાં ધૂળ નાખનારો કિરણ પટેલે અત્યાર સુધીમાં કેટલા કારનામા કર્યા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આરોપી અમદાવાદમાં પણ 6-7 વર્ષ પહેલા કરોડોની ઠગાઈ કરી ચૂક્યો હોવાની વિગતો પણ સામે આવી રહી છે. તેની સામે આ મામલે ફરિયાદ પણ નોંધાઈ હતી.
પોતે રાજકીય પાર્ટીમાં વગ ધરાવતો હોવાનો દાવો કરીને લોકોને ડરાવતો પણ હતો. કિરણ પટેલની સાથે તેના મામાની પણ સંડોવણી હોવાની વિગતો સામે આવી રહી છે.