Today Gujarati News (Desk)
જમ્મુ-કાશ્મીરમાંથી પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને પીએમઓનો અધિકારી હોવાનું જણાવી રહ્યો હતો. આ મહાઠગ મૂળ અમદાવાદનો રહેવાસી છે. કિરણ પટેલ અમદાવાદમાં પણ પોતે સંઘ સાથે જોડાયેલો તથા PMOમાં હોવાનું લોકોને કહેતો હતો. હાલમાં ગુજરાત ATSની ટીમ હવાઈ માર્ગે જમ્મુ કાશ્મીર ડો. કિરણ પટેલ ઉર્ફે બંસીને ગુજરાત લાવવા માટે રવાના થઈ ગઈ છે. આ ઉપરાંત પોલીસે તેના ઘોડાસર ખાતેના પ્રેસ્ટિઝ બંગ્લો પર પણ પોલીસે દરોડા પાડીને તપાસ શરૂ કરી દીધી છે. અગાઉ પણ નરેન્દ્ર મોદીની ઓફિસમાં ઉચ્ચ અધિકારી હોવાનું ઓળખ આપી હતી અને તે વખતે પણ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે હવે તેની સામે મોટો ઘટસ્ફોટ થાય તેવી માહિતી સુત્રો પાસેથી મળી છે.
છેતરાયેલા 13 ખેડૂતો સરકાર પાસે મદદ માંગી રહ્યાં છે
સુત્રોના જણાવ્યા પ્રમાણે કિરણ પટેલ દ્વાર અરવલ્લીમાં ભોગ બનેલા ખેડૂતોની ગુજરાત ATS પુછપરછ કરી રહી છે. સુત્રો અનુસાર બાયડના આશિષ પટેલ નામના વ્યક્તિએ ATS સામે ખુલાસો કર્યો છે કે કિરણ પટેલ લાલ લાઈટવાળી ગાડીમાં ફરતો હતો. તે સીએમઓમાં જોડાયો હોવાની ઓળખ આપતો હતો. અરવલ્લીમાં છેતરાયેલા 13 ખેડૂતો સરકાર પાસે મદદ માંગી રહ્યાં છે.
કિરણ પટેલ પાસે અમદાવાદમાં ભવ્ય ગાડી અને બંગલો
તેણે ગઢડાના એક મોટા સંત સાથે પણ ઠગાઈ આચરી છે. તેણે છ કરોડનું ફૂલેકુ ફેરવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. તેણે એક પૂર્વ મંત્રીના ભાઈને પણ છેતર્યાં છે.ગુજરાતના આ મિસ્ટર નટવરલાલ પાસે અમદાવાદમાં ભવ્ય ગાડી અને બંગલો છે. શીલજમાં પણ આલીશાન ફાર્મ હાઉસ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. તે ઉપરાંત તેની બ્રાન્ડેડ ચાના કેફેમાં પણ ભાગીદારી હોવાનું સામે આવ્યું છે. આ કેફેના આઉટલેટ્સ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યાં છે.