Today Gujarati News (Desk)
જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખર વિશે વધુ એક મોટો ખુલાસો થયો છે. સુકેશ ચંદ્રશેખર રોહિણી જેલમાંથી ખંડણીનું રેકેટ ચલાવતો હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. જેલના ત્રણ અધિકારીઓ ખંડણી રેકેટ ચલાવવામાં મદદ કરી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સુકેશે જેલ અધિકારીઓને પ્રોટેક્શન મની તરીકે કરોડો રૂપિયા આપ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓ આ લાંચના બદલામાં સુકેશને જેલમાં સુવિધાઓ આપતા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર બે અધિકારીઓ સુંદર બોરાને દર મહિને 1.5 કરોડ રૂપિયા અને મહેન્દ્ર પ્રસાદ સુંદરીલાલને 25 લાખ રૂપિયા મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુકેશ ચંદ્રશેખરે કથિત રીતે ડીજી જેલને દર મહિને લગભગ 2 કરોડ આપવાની કબૂલાત કરી હતી. સુકેશ આઈફોન 12 પ્રો દ્વારા જેલમાંથી પૈસા પડાવતો હતો, જે તેણે પેરોલ દરમિયાન ચેન્નાઈથી ખરીદ્યો હતો.
જેલ અધિકારીઓએ સીમકાર્ડ આપ્યું હતું
સૂત્રોના જણાવ્યા અનુસાર જેલ સત્તાવાળાઓએ સુકેશને એરટેલનું સિમ કાર્ડ આપ્યું હતું, જેના દ્વારા તે જેલમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સુકેશ ચંદ્રશેખર જેલમાં ટેલિગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ કરતો હતો. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, સુકેશને જેલમાં અલગ બેરેકમાં રાખવામાં આવ્યો હતો, કોરોનાના સમયગાળા દરમિયાન પણ તેને અલગ બેરેકમાં રાખવામાં આવ્યો હતો.