દેશના અગ્રણી બિઝનેસ ગ્રૂપ રિલાયન્સ પરિવારના અનંત અંબાણીએ જગવિખ્યાત સોમનાથ મહાદેવની શીશ ઝુકાવીને પૂજા-અર્ચના કરી હતી. આ તકે અનંત અંબાણીએ મંદિર ટ્રસ્ટને રૂ.1.51 કરોડનું દાન, સુવર્ણ કળશ અને મહાદેવની વિશેષ પૂજામાં લેવાતાં ચાંદીનાં વાસણો માટે રૂ. 90 લાખનું દાન અર્પણ કર્યું હતું. આ તકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જગવિખ્યાત સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં દેશના સૌથી અમીર બિઝનેસમેન રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આવી પહોંચ્યા હતા. ત્યારે સોમનાથ મંદિરના અધિકારીઓએ અનંત અંબાણીને આવકાર્યા હતા. બાદમાં અનંત અંબાણીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ગંગાજળથી અભિષેક સાથે મહાપૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેમના હસ્તે મંદિર ટ્રસ્ટને દાન કરાયેલી સોનાથી મઢેલા સુવર્ણ કળશની પૂજા કરવામાં આવી હતી. આ તકે અનંત અંબાણીએ મંદિર ટ્રસ્ટને રૂ. 90 લાખની કિંમતનાં ચાંદીનાં વાસણો દાનરૂપે અર્પણ કર્યાં હતાં. આમ એકાદ કલાકની મહાદેવની પૂજાવિધિ બાદ મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ મહાદેવની સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા.આ અંગે મંદિર ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રિલાયન્સના અંબાણી પરિવારનો સોમનાથ મંદિર સાથે અનેરો નાતો રહ્યો છે. પરિવારના કોઈ ને કોઈ સભ્ય નિયમિત મહાદેવનાં દર્શનાર્થે આવતા જ હોય છે. જેમાં ગઈકાલે આવેલા અનંત અંબાણીએ સોમનાથ મંદિરના નૃત્ય મંડપના શિખરને સુવર્ણ મઢિત કરવાના ચાલી રહેલા અભિયાનમાં સહયોગ આપવાની લાગણી વ્યક્ત કરી હતી. જેમાં તેમના પરિવાર દ્વારા 51 સુવર્ણ કળશો ચઢાવવા માટે રૂ. 61 લાખ 71 હજારનું દાન આપવામાં આવેલું હતું. જે તૈયાર થઈને આવ્યા હોવાથી તમામ 51 કળશોની પૂજા તેમના હસ્તે કરાવવામાં આવી છે. આ ઉપરાંત મંદિરમાં મહાદેવને વિશેષ કરવામાં આવતી સોમેશ્વર મહાપૂજામાં ઉપયોગમાં લેવાતાં થાળ, વાટકા, ડિશ સહિતનાં 90 લાખની કિંમતનાં તમામ ચાંદીનાં વાસણો અર્પણ કર્યાં છે. આમ, રિલાયન્સ પરિવાર દ્વારા અનંત અંબાણીના હસ્તે દોઢ કરોડનું દાન સુવર્ણ કળશ અને ચાંદીનાં વાસણો મારફતે સોમનાથ મંદિર ટ્રસ્ટને અર્પણ કરી ધન્યતા પ્રાપ્ત કરી છે.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878 |