Today Gujarati News (Desk)
અમેરિકામાં બેન્કિંગ સેક્ટરમાં ઉથળ-પાથળ શાંત થવાનું નામ નથી લઈ રહી. સિલિકોન વેલી બેન્ક (SVB) બાદ વધુ એક બેન્કને તાળા વાગી ગયા છે. ક્રિપ્ટો ફ્રેન્ડલી કહેવાતી સિગ્નેચર બેન્કને અસ્થાયીરૂપે બંધ કરી દેવામાં આવી છે. આ બેન્ક પાસે ક્રિપ્ટોકરન્સીનો સ્ટૉક હતો અને તેના જોખમને ધ્યાનમાં રાખી થોડા સમય માટે ન્યુયોર્કમાં આવેલી આ પ્રાદેશિક બેન્કને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. એક અહેવાલ અનુસાર સિલિકોન વેલી બેન્ક પછી સિગ્નેચર બેન્ક અમેરિકામાં યથાવત્ બેન્કિંગ ઉથળ-પાથળની ભોગ બની છે. ન્યુયોર્ક સ્ટેટના ફાઈનાન્સ સર્વિસ વિભાગ અનુસાર ફેડરલ ડિપોઝિટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને સિગ્નેચર બેન્કને પોતાના નિયંત્રણમાં લઈ લીધી છે. જેની પાસે ગત વર્ષના અંત સુધીમાં 110.36 અબજ ડૉલરની સંપત્તિ હતી. જોકે હવે બેન્કમાં જમા રકમ 88.59 અબજ ડૉલર રહી ગઈ છે.
સિલિકોન વેલી બેંક અમેરિકાની 16મી સૌથી મોટી બેંક છે. તે અમેરિકાની મુખ્ય બેંક છે જે નવા યુગની ટેક કંપનીઓ અને વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. જોકે, યુએસ ફેડરલ રિઝર્વે છેલ્લા 18 મહિનામાં વ્યાજદરમાં વધારો કર્યો છે. જેના કારણે આવી કંપનીઓને ભારે નુકસાન થયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આ બેંકિંગ કટોકટી વિશે કહ્યું છે કે હું આ ગડબડ માટે જવાબદાર લોકોને સંપૂર્ણ રીતે જવાબદાર ઠેરવવા માટે પ્રતિબદ્ધ છું અને મોટી બેંકોની દેખરેખને મજબૂત કરવાના મારા પ્રયાસો ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છું, જેથી આપણે ફરીથી આ સ્થિતિમાં ન આવીએ.