Today Gujarati News (Desk)
મહારાષ્ટ્ર સરકારે નિયમોના ઉલ્લંઘન બદલ કફ સિરપના 6 નિર્માતાઓના લાયસન્સ રદ કરી દીધા છે. રાજ્ય સરકારે વિધાનસભામાં આ માહિતી આપી હતી. ખાદ્ય તથા ઔષધિ વહીવટીમંત્રી સંજય રાઠોડે શુક્રવારે વિધાનસભામાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કફ સિરપના 108 નિર્માતાઓમાંથી 84 વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. જેમાં 4ને ઉત્પાદન બંધ કરવાનો નિર્દેશ અપાયો હતો અને 6 કંપનીઓના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા.
મંત્રી સંજય રાઠોડે ભાજપના ધારાસભ્ય આશીષ શેલાર તથા અન્યોને ધ્યાનમાં આવે તે રીતે નોટિસનો જવાબ આપતા કહ્યું કે નિયમોના ઉલ્લંઘન બદલ 17 કંપનીઓને શૉ કૉઝ નોટિસ ફટકારાઈ હતી. સેલારે કથિતરૂપે ભારતમાંથી આયાત કરેલી કફ સિરપ પીવાથી ગામ્બિયામાં ૬૬ બાળકોના મૃત્યુનો ઉલ્લેખ કર્યો હતો પણ સાથે જ તેમણે કહ્યું કે એ મામલે નિયમોના ઉલ્લંઘનના આરોપોનો સામનો કરી રહેલી કંપનીઓ હરિયાણામાં આવેલી છે અને મહારાષ્ટ્રમાં તેના કોઈ ઉત્પાદન એકમ નથી.
ઉલ્લેખનીય છે કે યુપીના નોઈડામાં આવેલી એક કંપનીમાં બનેલી કફ સિરપ પીવાથી ગત વર્ષે ઉઝ્બેકિસ્તાનમાં 18 બાળકો મૃત્યુ પામી ગયા હતા. નોઈડા પોલીસે શુક્રવારે કહ્યું કે આ મામલે તેમણે કંપનીના 3 કર્મચારીઓની ધરપકડ કરી હતી.