Today Gujarati News (Desk)
દુનિયાભરમાં મોટાભાગની કંપનીઓ દ્વારા જ્યારે છટણીનો દોર ચલાવાઈ રહ્યો છે ત્યારે માઈક્રોસોફ્ટે પણ હવે તેની વર્કફોર્સમાં હજુ ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. ટેક દિગ્ગજ કંપનીઓ કપરી આર્થિક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કર્મચારીઓની સંખ્યા ઘટાડી શકે છે.
માઇક્રોસોફ્ટ કંપનીમાં 2,20,000થી વધુ કર્મીઓ કામ કરી રહ્યા છે
એક અહેવાલ પરથી જાણવા મળે છે કે, માઈક્રોસોફ્ટ તેના એન્જિનિયરિંગ ડિવિઝનમાં છટણી જાહેર કરી શકે છે. માઇક્રોસોફ્ટના પ્રવક્તાએ જણાવ્યું કે, કંપનીએ આ મામલે ટિપ્પણી કરવાનો ઈનકાર કરતાં માત્ર તેને અફવા જ ગણાવી હતી. આ મામલે ઉદ્યોગ ટ્રેકર્સ કહે છે કે આ કંપનીમાં 2,20,000થી વધુ કર્મીઓ કામ કરી રહ્યા છે. કંપનીએ ગત વર્ષે 2 વખત છટણી કરી હતી.
18000 કર્મચારીઓને છુટાં કરવાની એમેઝોનની યોજના
એમેઝોને જાન્યુઆરીની શરૂઆતમાં જ જાહેરાત કરી હતી કે તે અનિશ્ચિત અર્થતંત્રનો હવાલો આપી વર્કફોર્સમાંથી 18000થી વધુ નોકરીઓમાં કાપ મૂકવાની યોજના બનાવી રહી છે અને તથ્ય એ છે કે મહામારી દરમિયાન ઓનલાઈન રિટેલ બેહેમોથે લોકોને ઝડપથી નોકરીઓ પણ આપી હતી. જોકે છટણીની આ યોજના સૌથી મોટી હોઈ શકે છે. એમેઝોન આ વખતે યુરોપમાં છટણી કરી શકે છે. સીઈઓ એન્ડી જેસીએ પણ જણાવ્યું કે 18 જાન્યુઆરીથી આ મામલે નોટિફિકેશન કર્મચારીઓને મોકલાશે.
જાન્યુઆરીની શરૂઆતમાં IT ગ્રૂપ સેલ્સફોર્સ 8000 લોકોની છટણી કરી
જાહેરાત આધારિત બિઝનેસ મોડેલવાળા મુખ્ય પ્લેટફોર્મ જાહેરાત આપનારાઓના બજેટમાં કાપનો સામનો કરી રહ્યા છે. જે ફુગાવા અને મોંઘવારીની સ્થિતિમાં ખર્ચ ઘટાડી રહ્યા છે મેટાએ નવેમ્બરમાં 11000 નોકરીઓમાં ઘટાડાની જાહેરાત કરી હતી. તે તેની વર્કફોર્સના 13 ટકા હતું. ઓગસ્ટના અંતે સ્નેપચેટે પણ લગભગ 20 ટકા એટલે કે 1200 લોકોને બહાર કરી દીધા હતા. જાન્યુઆરીની શરૂઆતમાં આઈટી ગ્રૂપ સેલ્સફોર્સે પણ તેના લગભગ 10 ટકા કર્મચારીઓ એટલે કે 8000 લોકોની છટણી કરી હતી. ટ્વિટરના માલિક બન્યા પછી ઈલોન મસ્કે પણ 7500 કર્મચારીઓમાંથી લગભગ 50 ટકાને છુટા કરી દીધા હતા.