Today Gujarati News (Desk)
આજથી લગભગ પાંચ મહિના પહેલા અદાણી વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ હતા, જોકે આજે તેઓ ટોપ-20માંથી બહાર થઈ ગયા છે, જેનું કારણ અમેરિકન ફોરેન્સિક ફાઈનાન્શિયલ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ છે.
સતત ગગડી રહ્યા છે અદાણીના શેર
હિડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર ‘વિશ્વની સૌથી મોટી છેતરપિંડી’નો આરોપ લગાવો છે. આ રિપોર્ટ 24 જાન્યુઆરી આવ્યો હતો. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ અંગે સ્ટૉક હેરફેર-અકાઉન્ટિંગ ફ્રોડ સહિત ઘણા દાવાઓ કરાયા છે. અદાણી ગ્રુપે આ આરોપોનો રદીયો આપ્યો છે. જોકે આ રિપોર્ટ આવ્યા બાદ અત્યાર સુધીમાં અદાણી ગ્રુપને 8 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. અદાણી ગ્રુપના શેર સતત ગગડી રહ્યા છે.
ઉપરાંત અમીરોની યાદીમાંથી ગૌતમ અદાણીની રેન્કિંગ પણ ગગડી રહી છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી શુક્રવારે 21 નંબર પર આવી ગયા છે. આ વર્ષે ગૌતમ અદાણીને અત્યાર સુધીમાં 59.2 અબજ ડોલરનું નુકસાન સહન કરવું પડ્યું છે, જ્યારે આ રકમમાંથી 52 અબજ ડૉલર માત્ર 10 દિવસમાં સાફ થઈ ગયા છે. ફોર્બ્સ મુજબ શુક્રવારે અદાણીની નેટવર્થ ઘટીને 56 અબજ ડૉલરે પહોંચી ગઈ છે. જોકે નેટવર્થમાં આટલો મોટો ઘટાડો માત્ર અદાણીની સંપત્તિમાં જ નહીં, ટોપ-20ની યાદીમાં સામેલ અન્ય 6 અમીરોની નેટવર્થ પણ સતત ઘટી રહી છે.
કયા અમીરોની નેટવર્થ ઘટી રહી છે ?
લૈરી એલિસન (ઓરેકલના ફાઉન્ડર) : ઓરેકલની 35 ટકા પાર્ટનરશીપ લૈરી એલિસન પાસે છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ લૈરી એલિસને એક દિવસમાં 205 મિલિયન ડૉલર એટલે કે 1,686 કરોડ રૂપિયા ગુમાવી દીધા છે. હાર તેમની નેટવર્થ 102 અબજ ડૉલર (8.38 લાખ કરોડ રૂપિયા) છે.
કાર્લોસ સ્લિમ (મેક્સિકોના સૌથી અમીર વ્યક્તિ) : કાર્લોસ લેટીન અમેરિકાની સૌથી મોટી ટેલીકોમ કંપની America Movilના માલિક છે. તેમની નેટવર્થમાં 1.56 અબજ ડૉલર (12,830 કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે. હાલ તેમની નેટવર્થ 84.2 અબજ ડૉલર (6.92 લાખ કરોડ રૂપિયા છે.
મુકેશ અંબાણી (રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન) : અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. હાલ તેમની નેટવર્થ 82.5 અબજ ડૉલર (6.78 લાખ કરોડ રૂપિયા) છે. અંબાણીની નેટવર્થમાં 695 મિલિયન ડૉલર (5,715 કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે. અંબાણી બ્લૂમબર્ગના ઈન્ડેક્સમાં 12માં તો ફોર્બ્સની યાદીમાં 11માં ક્રમે છે.
જિમ વૉલ્ટન (વૉલમાર્ટ કંપનીના સંસ્થાપકના નાના પુત્ર) : સેમ વૉલ્ટનના પુત્ર જિમ પોતાની ફેમિલીની આર્વેસ્ટ બેંકના ચેરમેન છે. તેમની નેટવર્થમાં 283 મિલિયન ડૉલર (2,327 કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે. હાલ તેમની નેટવર્ક 61.4 અબજ ડૉલર (5.05 લાખ કરોડ રૂપિયા) છે.
રૉબ વૉલ્ટન (વૉલમાર્ટ કંપનીના સંસ્થાપકના મોટા પુત્ર) : 1992માં પિતા સેમ વૉલ્ટનનું નિધન થયા બાદ રૉબ કંપનીના ચેરમેન બન્યા હતા. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ તેમની નેટવર્થ 259 મિલિયન ડૉલર (2,130 કરોડ રૂપિયા) ઘટી ગઈ છે. હાલ તેમની નેટવર્થ 60.2 અબજ ડૉલર (4.95 લાખ કરોડ રૂપિયા) છે.
એલિસ વૉલ્ટન (વૉલમાર્ટ કંપનીના સંસ્થાપકની એકમાત્ર પુત્રી) : સેમ વૉલ્ટનની પુત્રી ક્રિસ્ટલ બ્રિજેસ મ્યુઝિયમ ઑફ અમેરિકન આર્ટની ચેરમેન છે. એલિસ વૉલ્ટનની નેટવર્થમાં પણ 244 મિલિયન ડૉલર (2000 કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે. હાલ તેમની નેટવર્થ 59.2 અબજ ડૉલર (4.86 લાખ કરોડ રૂપિયા) છે.
2 વર્ષમાં પ્રથમ નંબરે 3 લોકો પહોંચ્યા
2 વર્ષમાં વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 3 લોકોનો સમાવેશ થયો. જાન્યુઆરી 2021માં એલન માસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. અગાઉ પ્રથમ નંબરે એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ હતા.
ગત વર્ષે ડિસેમ્બરમાં એલન મસ્કને પછાડી બર્નાર્ડ અરનૉલ્ટ પ્રથમ નંબરે આવી ગયા હતા. બર્નાર્ડ અરનૉલ્ટ લક્ઝરી ગુડ્સ કંપની LVMH ચેરમેન છે. અરનૉલ્ટે મે 2021માં જેફ બેઝોસને પછાડી બીજા નંબરે આવી ગયા હતા.
ફોર્બ્સના અહેવાલ મુજબ બર્નાર્ડ અરનૉલ્ટની નેટવર્થ હાલમાં 217.5 અબજ ડૉલર (17.88 લાખ કરોડ રૂપિયા) છે. બીજા નંબર પર એલન મસ્ક પાસે 183.2 અબજ ડૉલર (15.06 લાખ કરોડ રૂપિયા)ની નેટવર્થ છે. જ્યારે ત્રીજા નંબર પર 136 અબદ ડૉલર (11.18 લાખ કરોડ રૂપિયા)ની નેટવર્થ સાથે જેફ બેઝોસ છે.