Today Gujarati News (Desk)
જો તમને સાયંસ ફિક્શન મુવી પસંદ છે તો તમે ક્રાયોસ્લીપ વિશે સાંભળ્યું હશે. આ કોન્સેપ્ટ કંઈક એવો છે જેમાં માણસ ગાઢ નિંદ્રામાં જતો રહે છે. એટલી ગાઢ ઊંઘ હોય છે કે, વર્ષો બાદ તેનું જાગવું ફરી જીવિત થવા જેવું હોય છે. આ કોન્સેપ્ટ હોલીવૂડ ફિલ્મો જેમ કે Interstellar, Captain America અને The Boysમાં જોવા મળે છે. આ તમામ ફિલ્મોના પાત્રો બરફમાં દબી જતા હોય છે અથવા કોઈ કેમિકલની મદદથી તેમને ગાઢ નિંદ્રામાં સુવડાઈ દેવામાં આવે છે.ક્યાંથી થઈ આ સફરની શરૂઆત
ઘણાં એવા લોકો છે જે વર્ષો સુધી જીવવા માંગે છે અને તેમની આ જ ઇચ્છાનું પરિણામ ક્રાયોસ્લીપ છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો આ ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે. ક્રાયોસ્લીપનો વિચાર ક્રાયોનિક્સથી શરૂ થાય છે. ક્રાયોનિક્સના કોન્સેપ્ટની શરૂઆત એક બુકથી થાય છે. મિશિગનના પ્રોફેસર રોબર્ટ એટીંગરે તેમની બુક ‘ધ પ્રોસ્પેક્ટ ઓફ ઈમોર્ટાલિટી’માં આનો ઉલ્લેખ કર્યો છે. ક્રાયોનિક્સ શબ્દ ગ્રીક ભાષાથી લેવામાં આવ્યો છે જેનો અર્થ ‘ઠંડુ’ એવો થાય છે. આ પ્રક્રિયામાં માનવ શરીરને -196 ડીગ્રી સેલ્સિયસમાં મુકવામાં આવે છે. જેથી ભવિષ્યમાં તેને પાછો ઊંઘમાંથી ઉઠાવી શકાય. દુનિયાભરમાં ઘણા એવા લોકો છે જેમને ફ્રીઝ કરી તેમનું શરીર સુરક્ષિત જગ્યાએ મુકવામાં આવ્યું છે. આ પ્રક્રિયામાં માનવ શરીરને -200 ડીગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ કરી લિક્વિડ નાઈટ્રોજનથી ભરેલ કન્ટેનરમાં મુકવામાં આવે છે. આ પ્રક્રિયા હેઠળ કોઈને જીવિત કરવામાં આવ્યું નથી, પરંતુ આ પૂર્વધારણા વિજ્ઞાનને એક નવા માર્ગ પર લઈ જશે.
શું છે ક્રાયોસ્લીપ પ્રોસેસ
ક્રાયોસ્લીપ એક એવી પ્રોસેસ છે જેમાં માનવ શરીરના મોશનને કોઈ ડ્રગ, ચેમ્બર કે કોઈ અન્ય રીત વડે રોકી દેવામાં આવે છે. આ લોકો જરૂર પડે ત્યારે પુનઃજીવિત થશે એવી આશામાં તેમને સાચવવામાં આવે છે. ફિલ્મોમાં આવા ઘણાં સીન હોય છે પણ વાસ્તવિકતામાં આવું બન્યું નથી. વર્ષ 2016માં પેન્સિલવેનિયામાં જસ્ટિન સ્મિથ નામના યુવક સાથે કંઈક આવું જ બન્યું હતું. 26 વર્ષીય જસ્ટિન રાત્રે ઘરેથી નીકળ્યો હતો અને પાછો આવ્યો નહોતો. જયારે તેના પરિવારજનોએ તેની શોધખોળ કરી તો તે કલાકો સુધી બરફમાં દટાયેલો મળ્યો હતો. લગભગ 9 કલાક સુધી બરફમાં દટાયેલા હોવા છતાં તેમનું મૃત્યુ થયું નહિ. તેનું શરીર જામી ગયું હતું. તેનો શ્વાસ પણ ચાલતો ન હતો. ડોક્ટર્સ અને ઘરના સભ્યોએ ઉમ્મીદ છોડી દીધી હતી. આ યુવકના શરીરનું તાપમાન એટલું ઓછું હતું કે તેની સારવાર કરવી સંભવ ન હતી. તે પછી ડોક્ટર્સ તેને એવા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા જ્યાં ECMO (extracorporeal membrane oxygenation)ની સુવિધા હોય. આ મશીન શરીરમાં રહેલા લોહીને ગરમ કરી તેને શરીરમાં ફરી પંપ કરવામાં મદદ કરે છે. સારવાર શરુ થયાના લગભગ 30 દિવસ પછી જસ્ટિન સ્મિથને હોશ આવ્યો હતો.
વર્ક એન્ટરપ્રાઈઝ અને નાસા કરી રહ્યું છે આ પ્રોજેક્ટ પર કામ
આ ટેકનોલોજીને હકીકત બનાવવાની કોશિશ ખુબ લાંબા સમયથી ચાલી રહી છે. આ ટેકનોલોજી પર વર્ક એન્ટરપ્રાઈઝ અને નાસા મળીને કામ કરી રહ્યા છે. આ બંને સંસ્થાઓ એવો સ્ટેટિક ચેમ્બર તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે, જે ક્રાયોસ્લીપને વાસ્તવિકતા બનાવી શકે. બંને સંસ્થાઓનું માનવું છે કે જો આ કોન્સેપ્ટ તૈયાર થાય છે તો કોઈપણ સ્પેસ મિશન પૂરું કરવું ખુબ સરળ બની જશે. કોઈ વ્યક્તિને સ્પેસમાં મોકલતા પહેલા, તેને શારીરિક અને માનસિક રીતે તૈયાર કરવો પડે છે. આથી, જો આ ટેકનોલોજી શક્ય થાય છે તો સ્પેસ યાત્રા દરમિયાન પડતા પ્રભાવોને ઓછા કરી શકાય છે.