Today Gujarati News (Desk)
વડાપ્રધાન મોદીની મિમિક્રી કરી ફેમસ થયેલો કલાકાર શ્યામ રંગીલા નવી મુશ્કેલીમાં ફસાયો છે. રાજસ્થાનમાં વન વિભાગે નોટિસ ફટકારી રંગીલાને સમન્સ પાઠવ્યું છે. હવે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટનું ઉલ્લંઘન કરવા મામલે તેની સામે કાર્યવાહી થઈ શકે છે. શ્યામ રંગીલાએ તાજેતરમાં જયપુરના ઝાલાના જંગલમાં જઈને નીલગાયને ખાવાનું ખવડાવ્યું અને તેનો વીડિયો વાયરલ કરી દીધો હતો.
જયપુરના પ્રાદેશિક વન અધિકારી જનેશ્વર ચૌધરીએ કહ્યું કે યુટ્યુબલ ચેનલ શ્યામ રંગીલા પર 13 એપ્રિલના રોજ ઝાલાના લેપર્ડ રિઝર્વનો વીડિયો અપલોડ કરાયો હતો. આ વીડિયોમાં શ્યામ રંગીલા તેની ગાડીથી નીચે ઉતરી તેના હાથે વન્યપ્રાણી નીલાગાયને ખાદ્યપદાર્થ ખવડાવતો દેખાય છે. જોકે વન્યપ્રાણીઓને ખાદ્યપદાર્થ ખવડાવવું વન અધિનિયમ 1953 અને વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ 1972ની જોગવાઈઓનું ઉલ્લંઘન છે.
વન્યજીવને ખાદ્ય પદાર્થ ખવાડાવવાથી અનેક પ્રકારના ગંભીર રોગ થવાની શક્યતા
વન્યજીવોને ખાદ્ય પદાર્થ ખવડાવવાથી અનેક પ્રકારના ગંભીર રોગ થઈ જાય છે અને એટલું જ નહીં તેનાથી તેમના જીવને પણ જોખમ રહે છે. વન્ય જીવોને ખાદ્યપદાર્થ ન ખવડાવવાને લઈને ઝાલાના જંગલમાં ચેતવણી આપતા સૂચના બોર્ડ લગાવેલા છે. તેમ છતાં શ્યામ રંગીલાએ નીલગાયને ખાદ્યપદાર્થ ખવડાવ્યું હતું.
પીએમ મોદી જેવો જ ગેટઅપ ધારણ કર્યો
ખરેખર શ્યામ રંગીલા હવે પીએમ મોદીની હૂબહૂ નકલ કરવાને લઈને પણ નિશાને આવ્યો છે. તાજેતરમાં પીએમ મોદીએ ટાઇગર પ્રોજેક્ટના 50 વર્ષ પૂરાં થવા પર કર્ણાટકના મુદુમલાઈ અને બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે યૂનિક ગેટઅપમાં જંગલ સફારીની મજા માણી હતી. એમની જેમ જ મિમિક્રી આર્ટિસ્ટ અને કોમેડિયન શ્યામ રંગીલા પણ જયપુરના ઝાલાના જંગલમાં પહોંચ્યો હતો. તેણે પીએમ મોદીના ગેટઅપની કોપી મારી હતી અને શૂટિંગ પણ કરી હતી. જેના ફોટો-વીડિયો વાયરલ થઈ ગયા હતા.