Today Gujarati News (Desk)
આજે દેશમાં જ્યાં દરેક નાની-નાની વાત પર હિંદુ-મુસ્લિમ વચ્ચે તણાવ વધી જાય છે. આવી સ્થિતિમાં સમાજને ધાર્મિક સૌહાર્દનો સંદેશ આપવા માટે રવિવારે શિમલા જિલ્લાના રામપુરમાં એક હિંદુ મંદિર પરિસરમાં મુસ્લિમ યુગલના ઈસ્લામિક વિધિ અનુસાર નિકાહ કરવામાં આવ્યા હતા.
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સંચાલિત ઠાકુર સત્યનારાયણ મંદિર સંકુલમાં યોજાયેલા આ નિકાહમાં મુસ્લિમ અને હિન્દુ સમુદાયના લોકો એકસાથે ઉભા હતા અને મંદિરમાં મુસ્લિમ યુગલના લગ્નના સાક્ષી બન્યા હતા. મૌલવી, સાક્ષીઓ અને વકીલની હાજરીમાં મંદિર પરિસરમાં નિકાહ સમારોહ યોજાયો હતો. મંદિર પરિસરમાં આ નિકાહ કરાવવાનો હેતુ લોકોમાં ધાર્મિક સદભાવ અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાનો હતો.
સત્યનારાયણ મંદિર પરિસર વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જિલ્લા કાર્યાલય છે. રામપુરના ઠાકુર સત્યનારાયણ મંદિર ટ્રસ્ટના મહાસચિવ વિનય શર્માએ જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જિલ્લા કચેરીઓ મંદિરમાં ચાલે છે. વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ પર વારંવાર મુસ્લિમ વિરોધી હોવાનો આરોપ લગાવવામાં આવે છે. પરંતુ અહીંના હિંદુ મંદિર પરિસરમાં એક મુસ્લિમ યુગલે નિકાહ કર્યા હતા આ પોતાનામાં જ એક ઉદાહરણ છે કે, સનાતન ધર્મ હંમેશા દરેકને સાથે લઈને આગળ વધવાની પ્રેરણા આપે છે.