Today Gujarati News (Desk)
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા દિલ્હીમાં દેખાવો કરી રહેલા કુશ્તીબાજોને સમર્થન આપવા વહેલી સવારે જંતર-મંતર પર આવેલા ધરણાં સ્થળે પહોંચી ગયા હતા. જોકે તેમની આ મુલાકાતથી રાજકીય કોરિડોરમાં ફરી ચર્ચા શરૂ થઈ ચૂકી છે. બીજી બાજુ એવા પણ અહેવાલ છે કે દિલ્હીની આમ આદમી પાર્ટી પણ આ મામલે કુશ્તીબાજોને ટેકો આપી રહી છે અને ટૂંક સમયમાં આપ સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ કુશ્તીબાજોની મુલાકાત માટે આવી શકે છે.
સુપ્રીમકોર્ટના નિર્દેશ બાદ દિલ્હી પોલીસે નોંધી બે એફઆઈઆર
ઉલ્લેખનીય છે કે મહિલા ખેલાડીઓએ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ડબલ્યુએફઆઇ)ના પ્રમુખ બ્રિજ ભુષણ સામે શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. જોકે બ્રિજ ભુષણ સામે કોઇ કાર્યવાહી ન થતા ખેલાડીઓ દ્વારા જંતર મંતર પર ધરણા કરવામાં આવી રહ્યા છે. એવામાં હજુસુધી ફરિયાદ દાખલ કેમ નથી કરી તેવા સુપ્રીમ કોર્ટના સવાલોથી ઘેરાયેલી દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે અમે બ્રિજ ભુષણ સામે ફરિયાદ દાખલ કરી દઇશું અને ગઈકાલે મોડી સાંજે દિલ્હી પોલીસે બે એફઆઈઆર નોંધી હતી અને તેમાં પોક્સોની કલમો પણ લગાડી હતી.
પ્રિયંકા ગાંધીએ કહ્યું – અત્યાર સુધી કોઈને એફઆઈઆરની કોપી મળી નથી
આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ પહેલવાનો સાથે મુલાકાત કરી હતી અને તેમણે કહ્યું કે બ્રજભૂષણ સિંહે હવે રાજીનામુ આપી દેવાની જરૂર છે. સરકાર તેમને પદેથી હટાવી દે. અમને તો એ નથી સમજાતું કે સરકાર કોઈ કાર્યવાહી કરી કેમ રહી નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સરકાર આ મામલે કમિટીની રચના કરવાથી પણ છટકી રહી છે. તેમણે કહ્યું કે આ સરકાર કોઈનું સાંભળવામાં માનતી જ નથી. તે કુશ્તીબાજોનું પણ સાંભળી રહી નથી. અત્યાર સુધી કોઈને એફઆઈઆરની કોપી મળી નથી. સરકાર સામે નિશાન તાકતાં તેમણે કહ્યું કે જ્યારે આ કુશ્તીબાજો મેડલ જીત્યા હતા ત્યારે તેમને ઘરે બોલાવ્યા હતા તો પછી હવે કેમ નથી બોલાવાતા જ્યારે આ લોકો ફરિયાદ કરી રહ્યા છે?