Today Gujarati News (Desk)
સામાન્ય માણસની મોટી ચિંતા એટલે કે મોંધવારી. જોકે હાલ તેને લઇ સારા સમાચાર જોવા મળી રહ્યા છે. માર્ચ મહિનામાં રિટેલ મોંઘવારી દર ઘટીને 5.66 ટકા પર આવી ગયો છે. જે ડિસેમ્બર 2021 પછીનું સૌથી નીચેના સ્તરે જોવા મળે છે. અગાઉ ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવાનો દર 6.44 ટકા હતો. આ દરમિયાન ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર પણ નીચે આવ્યો છે. ખાદ્ય ફુગાવો ઘટીને 4.79 ટકા પર આવી ગયો છે, જે ફેબ્રુઆરી 2023માં 5.95 ટકા હતો.
આ કારણે માર્ચમાં મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો
માર્ચ મહિનામાં મોંઘવારી ઘટવાનું મુખ્ય કારણ ખાદ્યતેલ, શાકભાજી, માંસ અને માછલી વગેરેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય ઈંડા, દૂધ, ફળો અને કઠોળનો મોંઘવારી દર પણ સિંગલ ડિજિટમાં રહ્યો છે. આ કારણે માર્ચ મહિનામાં ખાદ્ય વસ્તુનો મોંઘવારી દર 5.11 ટકા રહ્યો હતો. આ સિવાય કપડા-પગરખા, ઈંધણ અને વીજળીનો મોંઘવારી દર પણ સિંગલ ડિજિટમાં રહ્યો છે. જેની અસર ફુગાવાના આંકડામાં જોવા મળી રહી છે.
RBIના 6 ટકાના સામાન્ય સ્તરની સપાટી જાળવી
માર્ચમાં ફુગાવાના આંકડામાં થયેલા ઘટાડાથી આશા જાગી છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વ્યાજદરમાં વધારા પર બ્રેક જાળવી શકે છે. કારણ કે માર્ચનો મોંઘવારી દર RBIના 6 ટકાના સામાન્ય સ્તર કરતા ઓછો છે. આવી સ્થિતિમાં તે મે મહિનામાં આવનારી મોનેટરી પોલિસીમાં માર્ચનો આઉટલૂક જાળવી શકે છે.
મોંઘી લોનમાંથી રાહતની અપેક્ષા
RBI એ 6 એપ્રિલ 2023 ના રોજ 2023-24ની પ્રથમ નાણાકીય નીતિ જાહેર કરી, જેમાં RBI એ ચાલુ નાણાકીય વર્ષમાં રિટેલ ફુગાવાનો દર 5.20 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જો આવનારા સમયમાં કેટલાક મહિનાઓ સુધી ફુગાવાનો દર ઘટતો રહેશે તો મોંઘી લોનમાંથી રાહતની અપેક્ષા રાખી શકાય છે.