Today Gujarati News (Desk)
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસએ માર્ચ મહિનાના જથ્થાબંધ ફુગાવાના આંકડા જાહેર કર્યા છે. માર્ચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો છે. WPI ફુગાવો માર્ચમાં ઘટીને 1.34% થયો હતો જે ફેબ્રુઆરીમાં 3.85% હતો. અગાઉના મહિનામાં એટલે કે જાન્યુઆરી 2023માં જથ્થાબંધ મોંઘવારી દર 4.73 ટકા હતો. માર્ચ 2022માં જથ્થાબંધ ફુગાવાનો દર 14.62 ટકા હતો. જથ્થાબંધ મોંઘવારીનો તાજેતરનો આંકડો છેલ્લા 29 મહિનામાં સૌથી નીચો છે.
ઈંધણ-વીજળી માટેનો ફુગાવાનો દર
ઈંધણ અને વીજળીનો મોંઘવારી દર ફેબ્રુઆરીમાં 14.82 ટકાથી ઘટીને માર્ચમાં 8.96 ટકા થઈ ગયો છે.
મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટના ફુગાવો દરમાં ઘટાડો
મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો ફુગાવો ફેબ્રુઆરીમાં 1.94 ટકાથી ઘટીને માર્ચમાં 0.77 ટકા થયો હતો.
ખાદ્ય વસ્તુના જથ્થાબંધ મોંઘવારી દરના આંકડા
બટાટાનો જથ્થાબંધ મોંઘવારી દર ફેબ્રુઆરીમાં -14.30 ટકા હતો અને માર્ચ 2023માં તે ઘટીને -23.67 ટકા થઈ ગયો છે. ડુંગળીનો જથ્થાબંધ મોંઘવારી દર ફેબ્રુઆરીમાં -40.14 ટકા હતો અને માર્ચમાં વધ્યો છે. માર્ચમાં તેનો જથ્થાબંધ મોંઘવારી દર -36.83 ટકા હતો.
જથ્થાબંધ મોંઘવારી ઘટવા પાછળના કારણ
કાચી ધાતુઓ, ખાદ્ય ઉત્પાદનો, કાપડ, બિન ખાદ્ય ચીજવસ્તુઓ, ખનિજો, રબર અને પ્લાસ્ટિક ઉત્પાદનો, ક્રૂડ-પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તેમજ કાગળ અને પેપર ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થવાને કારણે આ વખતે જથ્થાબંધ ફુગાવો ઘટ્યો છે.
રિટેલ ફુગાવો પણ ઘટીને 5.66 ટકા થયો
માર્ચ માટે જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવાના આંકડા જાહેર કરવાના દિવસો પહેલા, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે 12 એપ્રિલે જણાવ્યું હતું કે, છૂટક ફુગાવો ગયા મહિને 5.66 ટકાના 15 મહિનાના નીચા સ્તરે પહોંચી ગયો છે. મૂળભૂત ધાતુઓ, ખાદ્ય ઉત્પાદનો, કાપડ, બિન-ખાદ્ય ચીજો, ખનિજો, રબર, પ્લાસ્ટિક ઉત્પાદનો, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને કાગળ અને પેપર ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થવાને કારણે માર્ચ 2023 માં ફુગાવો સામાન્ય થયો છે.