ગુજરાત ખાતેની બે દિવસીય મુલાકાતના અંતિમ તબક્કામાં PM મોદીએ મા અંબાના ધામમાં આરતી ઉતારીને શીશ ઝુકાવ્યું હતું. અંબાજી ખાતે માટે તેમણે રસ્તા માર્ગે જવાનું પસંદ કર્યું હતું. વડગામ વિધાનસભા ક્ષેત્રના હોતાવાડા ખાતે તૈયાર કરાયેલા હેલિપેડ ખાતે ઉતરાણ કર્યું હતું અને મુમનવાસ, મોટાસડા અને દાંતા થઈ અંબાજી ખાતે તેમણે રોડ શો કરી માતા અંબાનાં ચરણોમાં મસ્તક નમાવ્યું હતું.
‘PM મોદીના શબ્દોથી હાસ્યનું મોજું ફરી વળ્યું’
હોતાવાડા હેલીપેડ ખાતે એક અજીબ ઘટના બની હતી. વડાપ્રધાન મોદીનું ચોપર જ્યારે હેલિપેડ પર લેન્ડ થયું અને તેઓ બહાર આવ્યા ત્યારે તેમના સ્વાગત માટે અંદાજે 14 લોકો હાજર રહ્યા હતા. તેમનું તમામ લોકોએ સ્વાગત કર્યું અને સામે વડાપ્રધાન મોદીએ પણ તમામને નમસ્તેની મુદ્રા આપી અભિવાદન ઝીલ્યું હતું. તેઓ અભિવાનદન ઝીલતાં જેવા આગળ વધ્યા કે એકાએક તેમણે હાથની દશેય આંગળી પર વીંટી, બ્રેસ્લેટ, માળા પહેરેલી એક વ્યક્તિની સામે જોઈને નિવેદન કર્યું હતું કે પરમવીરસિંહ, હજુ કેટલું વજન વધારવાનું છે? આ નિવેદન થતાંની સાથે જ હાજર સૌકોઈના ચહેરા પર હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. જોકે સવાલ એ થાય છે કે આખરે આ પરમવીરસિંહ છે કોણ ? કે જેમની સાથે વડાપ્રધાન મોદીએ વાત કરી.
હું તો ભગવાપ્રેમી છું, જ્યાં મોદી ત્યાં અમે: પરમવીરસિંહ પરમાર
પ્રધાનમંત્રી મોદીએ જે વ્યક્તિ સાથે વાત કરી તે પરમવીરસિંહ પરમાર સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી. પરમવીરસિંહ પરમારે જણાવ્યું હતું કે તેઓ તો મોદીભક્ત છે અને ભાજપ સાથે સંકળાયેલા છે. મોદી સાહેબ જ્યાં હોય ત્યાં અમે હોઈએ. તેઓ ભાજપ સાથે સંકળાયેલા છે, કેમ કે તેઓ ભગવાપ્રેમી છે.
પરમવીરસિંહ પરમાર દાંતા સ્ટેટ સર ભવાનીસિંહજી હમીરસિંહજીના વંશજ
પરમવીરસિંહ પરમાર દાંતા સ્ટેટ સર ભવાનીસિંહજી હમીરસિંહજીના વંશજ છે, જેમનો જન્મ 7 નવેમ્બર 1988ના રોજ થયો હતો. તેમનું નામકરણ શ્રી શ્રી 1008 શિવગિરિજી મહારાજ, કપાસિયાધામે કર્યું હતું. પરમવીરસિંહ પરમારને પારિવારિક કારણસર ધોરણ 9 બાદ પોતાનો અભ્યાસ છોડીને પારિવારિક વહીવટીય કામમાં જોતરાવું પડ્યું હતું.