Today Gujarati News (Desk)
યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયાએ ભૂલથી પોતાના જ શહેરમાં બોમ્બ ઝીંક્યા હતા. આ બોમ્બ વિસ્ફોટની લપેટમાં આવતા બે મહિલાઓ ઘાયલ થઈ હતી જ્યારે ઘણી ઇમારતો ધરાશાયી થઈ અને કેટલીક કારોને પણ નુકસાન થયું હતું. તેની સાથે બોમ્બ પડવાને કારણે શહેરની વચ્ચોવચ મોટો અને ઊંડો ખાડો પડી ગયો હતો. આ માહિતી રશિયાના સંરક્ષણ મંત્રાલય તરફથી આપવામાં આવી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન પહેલીવાર રશિયન સેના તરફથી આવી ભૂલ થઈ છે.
બેલગોરોડમાં ભૂલથી એક બોમ્બ ઝીંકી દીધો
રશિયાએ જણાવ્યું હતું કે તેના એક ફાઇટર પ્લેને યુક્રેનની નજીક આવેલા તેના જ શહેર બેલગોરોડમાં ભૂલથી એક બોમ્બ ઝીંકી દીધો હતો. જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ. ત્યાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ સાથે અનેક કારોને પણ નુકસાન થયું છે. વિસ્ફોટ બાદ થયેલા નુકસાનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ગુરુવારે સાંજે સ્થાનિક અધિકારીઓએ બેલગોરોડમાં મોટા વિસ્ફોટની જાણકારી આપતા જણાવ્યું કે આ વિસ્ફોટથી શહેરના કેન્દ્રમાં એક ખાડો પડ્યો અને બે મહિલાઓ ઘાયલ થઈ હતી.
લોકો વિસ્ફોટ થતા હચમચી ગયા હતા
બેલગોરોડના ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લાડકોવે જણાવ્યું હતું કે વિસ્ફોટથી શહેરના લોકો હચમચી ગયા હતા. બ્લાસ્ટમાં ચાર એપાર્ટમેન્ટ અને ચાર કારને નુકસાન થયું હતું, પાવર લાઇનના થાંભલા પડી ગયા હતા. ગ્લાડકોવે કહ્યું કે એક વિસ્ફોટ થયો હતો. તપાસકર્તાઓ અને ઈમરજન્સી મંત્રાલયના પ્રતિનિધિઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વિસ્ફોટના પરિણામે શહેરની મધ્યમાં લગભગ 20 મીટર પહોળો (65 ફૂટ) એક વિશાળ ખાડો પડી ગયો હતો.