Today Gujarati News (Desk)
ગુજરાતના ઈતિહાસના સૌથી મોટા સટ્ટાકિંગ રાકેશ રાજદેવ પર પોલીસે ગાળિયો કસ્યો છે. વર્ષોથી રાજકીય અને પોલીસની શેહ હેઠળ પોતાનું નેટવર્ક ચલાવતા આરઆર પર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી શરૂ કરી છે. વર્ષોથી વિદેશ બેઠા બેઠા ચાલતા આ નેટવર્કમાં 1400 કરોડ રૂપિયાના હવાલા પડ્યાની આશંકાને પગલે આ પ્રકરણમાં બીજી એજન્સીઓ જોડાય તો નવાઈ નહીં.
ગુજરાતમાં ડીજીપી બદલાતાં જ સૌથી મોટી તવાઈ સટોડિયાઓ પર આવી છે. રાકેશ રાજદેવની સટ્ટા કિંગ તરીકેની ઓળખ છે. અત્યાર સુધી યેનકેન પ્રકારે કાયદાના સકંજામાંથી બચવામાં સફળ રહેલા રાકેશ સામે અંતે પોલીસે કડક પગલાં શરૂ કર્યા છે. ક્રિકેટ અને શેરબજાર, એમસીએક્સના ગેરકાયદે સટ્ટામાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોટું માથું ગણાતા કુખ્યાત રાકેશ રાજદેવનું નામ ખોલાવાની પોલીસે ઘણા વર્ષ પછી હિંમત દેખાડી છે. અત્યારસુધી નેતાઓની આડમાં પોલીસ કાર્યવાહીથી બચીને રહેતા આ સટ્ટાકિંગના પ્રકરણમાં રેલો સૌરાષ્ટ્રના નેતાઓ સુધી પણ પહોંચે તો નવાઈ નહીં.
રાકેશ રાજદેવનો ઈતિહાસ
ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી આરઆર ઉર્ફે રાકેશ રાજદેવ સટ્ટો રમાડે છે. પોલીસની આંખતળે રમાતો આ સટ્ટો ગેરકાયદે હોવાની સાથે પોલીસના ગજવાં ભરવાનું મોટુ સાધન છે. કાળી કમાણીના દરિયામાં પોલીસે પણ એને મોટો બનાવ્યો છે. આજે આરઆર, ટોમી અને જીતુ થરાદ એ ગુજરાતના સૌથી મોટા સટોડિયા કહેવાય છે. રાજકોટનો રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર. સામે ગુજરાત પોલીસના ચોપડે ક્રિકેટ સટ્ટા બેટીંગના એક નહીં અઢળક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. રાકેશ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં 3.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ પણ થઈ ચુકી છે.
રાકેશ રાજદેવે સસ્તામાં સોનું આપવાની લાલચ આપી અમદાવાદના શૈવલ પરીખ પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા. પણ બાદમાં, આ મામલે કોર્ટમાં સમાધાન થઈ ગયું હોવાની માહિતી સામે આવી હતી. પોતે સજ્જન વ્યક્તિ છે તેવો ઢંઢેરો પીટતો રાકેશ રાજદેવ અખબારમાં જાહેરખબર આપીને પોતાની છબી ચોખ્ખી કરવાના પ્રયત્નો કરી ચુક્યો છે. એના સૌરાષ્ટ્રના અનેક નેતાઓ સાથે સંબંધો છે.