Today Gujarati News (Desk)
સૌરાષ્ટ્રમાં કોરોનાની રફતાર દિન-પ્રતિદિન વધી રહી છે. રાજકોટમાં આજે કોરોનાના વધુ ૩૦ કેસો નોંધાયા છે. તેમાં ૭ વર્ષ તથા ૯ વર્ષના બે બાળકોનો પણ પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. જયારે મોરબીમાં વધુ ૧૭ કેસો નોંધાયા છે. જામનગરમાં એક તબીબ ઉપરાંત બે મહિલા સહિત પાંચ પોઝીટીવ કેસ નોંધાયા છે. પોરબંદરમાં પણ ૩ નવા કેસ નોંધાયા છે.રાજકોટમાં કોરોનાએ ફૂંફાડો માર્યો છે. તેજ ગતિથી કેસો વધી રહ્યા છે. શહેરમાં આજે ૭ વર્ષીય બાળક, ૯ વર્ષની બાળકી ઉપરાંત ૧૪ અને ૧પ વર્ષીય બે કિશોરો સહિત નવા ૩૦ કેસ નોંધાયા છે. આજે નોંધાયેલા ૩૦ પૈકી ૯ લોકો તો કોરોના વેકસીનના ૩ ડોઝ લઈ ચૂકેલા છે. આજે નોંધાયેલા કેસોમાં મોટાભાગના યુવાનો છે.
જામનગર શહેરમાં કોરોનાની રફતાર ધીમે ધીમે ખૂબ જ આગળ ધપી રહી છે. આજે પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગરમાં કેતન સોસાયટી વિસ્તારમાં રહેતા એક તબિબ તેમજ ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં રહેતી એક મહિલા ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતી એક પરણીતા તેમજ જનતા સોસાયટી વિસ્તારમાં રહેતી એક મહિલા ઉપરાંત કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા પ૮ વર્ષના પ્રૌઢ સહિત પાંચ દર્દીના કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે. જે તમામને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. પાંચેય દર્દીઓના પરિવાર તથા નિકતવર્તીના સેમ્પલો લેવાયા હતા. જોકે તેઓના રિપોર્ટ નેગેટિવ મળ્યા છે. જામનગર શહેરમાં હાલ ૧૮ એક્ટિવ કેસ છે, અને તમામ દર્દીઓ હોમ આસોલેસનમાં છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કોઈ દર્દી સારવાર હેઠળ નથી.