Today Gujarati News (Desk)
યદુવંશી ભરવાડ સમાજ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં સામૂહિક પહેરામણી સદંતર બંધ કરવામાં આવી છે. તેમજ લગ્ન પ્રસંગે દીકરા પક્ષ દ્વારા જે 30 તોલા સોનું આપવામાં આવતું હતું તેની સામે હવે માત્ર દસ તોલા સોનું આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત છાબમાં જે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો તેની સામે સાડી સહિતની અલગ અલગ વસ્તુઓના બદલે માત્ર 21000 રૂપિયા જ આપવાના રહેશે. ભરવાડ સમાજના આ બંધારણીય નિર્ણય લેવા માટે છેલ્લા એક મહિનાથી મિટિંગોનો દોર હાથ ધરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારો કે જ્યાં યદુવંશી ભરવાડ સમાજના લોકો રહેતા હોય તેવા વિસ્તારો સમાજના આગેવાનો દ્વારા બેઠકો કરવામાં આવી હતી અને સમાજના લોકોને આ માટે સમજાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ નિર્ણયને ભરવાડ સમાજના યુવાનોએ પણ ટેકો આપ્યો હતો અને સોશિયલ મીડિયામાં 21 હજારથી પણ વધુ પોસ્ટ મૂકી હતી.ભરવાડ સમાજમાં મોટા પ્રમાણમાં સોનું આપવાનો રિવાજ છેલ્લા 150 વર્ષથી પણ વધુ સમયથી ચાલતો આવતો હતો. ભરવાડ સમાજના આગેવાનોના જણાવ્યા પ્રમાણે જે તે સમયે આ નિર્ણય લેવા પાછળનું કારણ એ હતું કે, આજથી દસકાઓ પહેલા ભરવાડ સમાજને પશુઓ ચરાવવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું. તે સમયે ઘરે જો રોકડ રકમ હોય તો તેની ચોરી થવાની ભીતિ રહેતી એટલા માટે જે તે સમયે લગ્ન પ્રસંગમાં રોકડના બદલે સોનું આપવામાં આવતું.