Today Gujarati News (Desk)
વડોદરા નજીક આવેલા રાયપુરા ગામના ભાથીજી મંદિરની દાનપેટીના તાળા તોડી કોઈ ચોરે ભરબપોરે મંદિરમાં દાન પેટે આવેલી આશરે અડધા લાખની રોકડ રકમ ચોરી કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે રાયપુરા ગામે કર્નાપુરા વિસ્તારમાં રહેતા શાંતિલાલ ગોકળભાઈ પરમાર ગામમાં આવેલા સાર્વજનિક ભાથીજી મંદિર તેમજ નજીકમાં આવેલા અન્ય મંદિરોમાં સેવા પૂજા કરે છે અને રાત્રે તેઓ મંદિરમાં જ ઊંઘી જાય છે તારીખ 16 ના રોજ સવારે મંદિરમાં સેવા પૂજા કરી શાંતિલાલ ઘેર ગયા હતા અને સાંજે ગામમાં રહેતા જેન્તીભાઈ પરમારે ફોન કરીને જણાવેલ કે મંદિરની દાન પેટી તૂટેલી જણાય છે તેમજ અંદર મુકેલા પૈસા પણ કોઈએ કાઢી લીધા છે. શાંતિલાલે મંદિરની દાનપેટીને નહીં અડવાની સલાહ આપી સરપંચને જાણ કરી હતી. બાદમાં ગામના અગ્રણીઓ મંદિર પાસે એકઠા થયા હતા અને જે તે સમયે પોલીસ ફરિયાદ નહીં કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ જો ફરિયાદ નહીં કરીએ તો ચોરી કરનારાઓને પ્રોત્સાહન મળશે તેમ નક્કી થયા બાદ આખરે મંદિરની દાનપેટીમાંથી રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ મંદિરના પૂજારીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે લોખંડના સળિયાથી દાન પેટી તોડી રોકડની ચોરી કર્યા બાદ લોખંડનો સળીયો જે તે સ્થળ પર જ છોડી દેવાયો હતો.