Today Gujarati News (Desk)
અમદાવાદઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ માનહાની કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. કોર્ટમાં આજે જસ્ટિસ હેમંત પ્રચ્છકની બેંચમાં આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. 23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019માં મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી. હવે ફરીવાર મંગળવારે સેકન્ડ સિટિંગમાં આ અરજીની સુનાવણી હાથ ધરાશે.
દેશમાં 13 કરોડ મોદી છે, કેમ કોઈએ ફરિયાદ કરી નહિ
આજે કોર્ટમાં સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકિલ અભિષેક મનુ સિંધવીએ દલીલ કરી હતી. તેમણે દલિલ કરતાં કહ્યું હતું કે, આ કોઈ ગંભીર ગુનો નથી કે માફી ન આપી શકાય. અમે કન્વીક્શન પર સ્ટેની માગ કરી રહ્યાં છીએ. નોન આઇડેન્ટિફાય કેસમાં આવી ફરિયાદ દાખલ ન થઈ શકે. નિવેદનમાં જે વ્યક્તિનું નામ નથી લેવાયું તેમણે ફરિયાદ નોંધાવી છે. રાહુલ ગાંધી લોક પ્રતિનિધિ અને સાંસદ પણ છે. ઈલેક્શન કમિશન ચૂંટણી જાહેર કરી દેશે તો કોર્ટ તે નિર્ણયને કેવી રીતે પરત ખેંચાવી શકશે.નીચલી કોર્ટના ચુકાદા પર સ્ટે આપવા રજૂઆત કરી હતી અને દલીલ કરી હતી કે દેશમાં 13 કરોડ મોદી છે, કેમ કોઈએ ફરિયાદ કરી નહિ.
ફરિયાદ બાદ કોઈ પુરાવા અંગે કોઈ જ તપાસ ન થઈ
હાઈકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છક સમક્ષ અભિષેક મનુ સિંઘવીએ વિવિધ મુદ્દાઓ કર્યા રજૂ હતા. જેમાં વોટ્સએપ કટિંગના આધારે ગુનો ન બને. પેઈન ડ્રાઈવ રજૂ કરાઈ હતી એનો ફરિયાદમાં ઉલ્લેખ નથી. રેકોર્ડિંગને સમર્થન માટે 65-B સર્ટિફિકેટ પણ નથી. CD રજૂ કરાઈ તેની પણ રોચક કહાની છે. 2019થી 2021 સુધી સીડીનો કોઈ ઉલ્લેખ નહોતો. 2021માં અચાનક સીડી રજૂ કરાઈ. યાજી નામના વ્યક્તિ કે જેમણે પોતાને પૂર્ણેશ મોદીની નજીકના અને ભાજપના કાર્યકર્તા ગણાવ્યા હતા. યાજીનું નામ ફરિયાદમાં પણ નથી અને 2 વર્ષ પછી પ્રકટ થયા. ફરિયાદ બાદ કોઈ પુરાવા અંગે કોઈ જ તપાસ ન થઈ.સિંઘવીએ દલીલ કરી હતી કે આવા કેસોમાં કન્વિક્શન પર 3થી 6 મહિનાની સજા હોઈ શકે, પરંતુ 1-2 વર્ષની સજા ન હોઇ શકે. પ્રથમવારના ગુનામાં 2 વર્ષની સજા ન હોઈ શકે. સજા પર સ્ટે ન મળે તો અરજદારની રાજકીય કારકિર્દી ખતમ થઈ શકે છે.