Today Gujarati News (Desk)
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં સૈનિક હોવાનો ઢોંગ કરીને પ્રવેશવા બદલ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પીએમ મોદી ગુરુવારે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ પહોંચવાના હતા. નવી મુંબઈનો આ 35 વર્ષીય વ્યક્તિ પણ ત્યાં હાજર હતો. આરોપીએ પોતાને આર્મીની ગાર્ડ્સ રેજીમેન્ટના નાઈક હોવાનો દાવો કરીને ઉચ્ચ સુરક્ષાવાળા VVIP વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસને તેના પર શંકા હતી, પરંતુ પીએમ મોદી ત્યાં પહોંચે તેના લગભગ 90 મિનિટ પહેલા તે પકડાઈ ગયો હતો.
આ માહિતી આપતા મુંબઈ પોલીસના ડીસીપી ગેડમ દીક્ષિતે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીનું નામ રામેશ્વર મિશ્રા છે. 19 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યાની આસપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ તેને શંકાના આધારે અટકાવ્યો હતો. તેમણે કહ્યું કે, ’19 જાન્યુઆરીએ પીએમ મોદીની રેલી દરમિયાન પોલીસને એક વ્યક્તિ પર શંકા ગઈ હતી. જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી તો તેણે NSGનું આઈડી કાર્ડ બતાવીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈ પોલીસની સાથે કેન્દ્રીય એજન્સીઓ પણ આ મામલાની તપાસ કરી રહી છે. એજન્સીઓ પૂછપરછ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, પીએમ મોદીની રેલીમાં આ રીતે પ્રવેશવા પાછળ આ વ્યક્તિનો હેતુ શું હતો.
હકીકતમાં પીએમ મોદીની રેલીના એક દિવસ પહેલા જ મુંબઈ પોલીસે સુરક્ષા વ્યવસ્થાને લઈને એડવાઈઝરી જાહેર કરી હતી. આ એડવાઈઝરીમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુંબઈ પ્રવાસ દરમિયાન આતંકવાદી હુમલો થઈ શકે છે.આ ખતરાને જોતા ભીડને કાબૂમાં રાખવા માટે તે વિસ્તારોમાં સુરક્ષા વધારવા અને વડાપ્રધાનની આસપાસના વિસ્તારમાં કડક ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, આ રીતે ખોટી ઓળખ આપીને પીએમના VVIP સુરક્ષા ઝોનમાં પ્રવેશવા પાછળ આ વ્યક્તિનો ઈરાદો શું હતો. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીને NSGનું બનાવટી આઈડી કાર્ડ ક્યાંથી મળ્યું. આ સાથે આરોપીનું બેકગ્રાઉન્ડ જાણવા માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.