Today Gujarati News (Desk)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 લાખ કર્મચારીઓની ભરતી અભિયાન ‘રોજગાર મેળા’ હેઠળ આજે લગભગ 71,000 યુવાનોને નિમણૂક પત્રો આપ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, આજે 70 હજારથી વધુ યુવાનોને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં નોકરી મળી છે. તે બધા યુવાનોને અને તેમના પરિવારના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન. અમારી સરકાર વિકસિત ભારતના વિઝનને હાંસલ કરવા માટે યુવાનોની પ્રતિભા અને ઊર્જાને યોગ્ય તકો આપવા માટે પ્રતિબદ્ધ છે. આજનું નવું ભારત જે નવી નીતિ અને વ્યૂહરચનાનું પાલન કરી રહ્યું છે. તેણે દેશમાં નવી શક્યતાઓ અને તકોના દ્વાર ખોલ્યા છે.
સ્ટાર્ટઅપ્સે 40 લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કર્યું છે
વીડિયો કોન્ફરન્સ દ્વારા યુવાનોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, “આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. કોરોના પછી આખું વિશ્વ મંદીનો સામનો કરી રહ્યું છે, મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થા સતત નીચે પડી રહી છે. તેવી પરિસ્થતિમાં વિશ્વ ભારતને અનુકૂળ જગ્યા તરીકે જોઈ રહ્યું છે. એક અહેવાલ મુજબ, સ્ટાર્ટઅપ્સે 40 લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કર્યું છે. આ ઉપરાંત ડ્રોન સેક્ટરમાં ભારતે ઘણું કૌશલ્ય બતાવ્યું છે. છેલ્લા 8-9 વર્ષમાં દેશના રમતગમત ક્ષેત્રે પણ કાયાકલ્પ કરવામાં આવી છે.
આધુનિક ઉપગ્રહોથી લઈને સેમી હાઈ સ્પીડ ટ્રેનો ભારતમાં જ તૈયાર થાય છે
આજે આધુનિક ઉપગ્રહોથી લઈને સેમી હાઈ સ્પીડ ટ્રેનો ભારતમાં જ બનાવવામાં આવી રહી છે. ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ એ ગામડાઓથી શહેરો સુધી ભારતમાં રોજગારીની કરોડો તકો ઊભી કરવાનું અભિયાન છે. સરકારે આયાતી રમકડાં માટે ગુણવત્તાના માપદંડો નક્કી કર્યા અને આપણા સ્વદેશી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. 3-4 વર્ષની અંદર, રમકડા ઉદ્યોગને નવજીવન મળ્યું અને ઘણી નવી રોજગારીની તકો ઊભી થઈ છે. ભારતના રમકડા ઉદ્યોગનું ઉદાહરણ તમારી સામે છે.
PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- ત્યારે ગણતરી મીટરમાં થતી અને આજે કિલોમીટરમાં થાય છે
ભારતમાં થઈ રહેલા વિકાસના દેખીતા પરિણામોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, “જ્યારે કોઈ ગામડામાં રોડ પહોંચે છે ત્યારે આ સમગ્ર ઈકો-સિસ્ટમમાં ઝડપી રોજગારીનું સર્જન કરે છે.” 2014 સુધી ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓની લંબાઈ પણ 4 લાખ કિલોમીટરથી ઓછી હતી, પરંતુ આજે તે આંકડો વધીને 7.25 લાખ કિલોમીટરથી વધુ થઈ ગયો છે. 2014 પહેલા એક મહિનામાં માત્ર 600 મીટર નવી મેટ્રો લાઈનો બનાવવામાં આવતી હતી, આજે આપણે દર મહિને લગભગ 6 કિલોમીટર નવી મેટ્રો લાઈનો બનાવી રહ્યા છીએ.