Today Gujarati News (Desk)
લદ્દાખમાં ભારતીય સર્વેલન્સ ડ્રોન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જેના કારણે તમામ ફ્લાઈટો સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, સવારે બનેલી આ ઘટના અંગે હજુ સુધી કોઈ વિશેષ જાણકારી મળી નથી. ઉલ્લેખનિય છે કે, ભારત અને ચીન વચ્ચે ઘણા વર્ષોથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે, જેને ધ્યાને રાખી ભારતીય સેના વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપરાંત અહીંના ઊંચાઈવાળા વિસ્તારો અને પર્વતીય પ્રદેશોમાં ચોક્કસ દેખરેખ રાખી શકે તે માટે DRDO દ્વારા દેશમાં જ બનાવેલા ડ્રોન ઉપલબ્ધ કરાવાયા હતા.
લદ્દાખ એરપોર્ટ ઓથોરિટીએ તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરવાનો નિર્ણય લીધો
માનવામાં આવી રહ્યું છે કે, આજે અકસ્માતનો શિકાર બનેલા સર્વેલન્સ ડ્રોન ભારતીય સેનાનું હોવાનું કહેવાય છે. દુર્ઘટના બાદ એરપોર્ટ અને ફ્લાઈટ્સને કોઈ મુશ્કેલી ન પડે તે માટે લદ્દાખ એરપોર્ટ ઓથોરિટીએ તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.
ઊંચાઈવાળા વિસ્તારોમાં વધી ભારતીય સેનાની તાકાત
આ ડ્રોન ઊંચાઈવાળા વિસ્તારોમાં દેખરેખ માટે તૈયાર બનાવાયા હતા. આને ચંદીગઢમાં DRDOની ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરી (TBRL) દ્વારા વિકસાવાયા હતા. તેની તૈનાતીથી ઊંચાઈવાળા વિસ્તારો અને પર્વતીય વિસ્તારોમાં ભારતીય સેનાની તાકાત વધી છે.