टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)
વડોદરા : રાજ્યમાં લવ જેહાદના કાયદામાં આવેલા સુધારા બાદ સૌપ્રથમ લવ જેહાદનો કેસ વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. આ ચકચારભર્યા કેસમાં 26 વર્ષીય પરિણીતાએ વિધર્મી પતિની તરફેણમાં તેને જેલમાંથી છોડાવવા માટે હાઇકોર્ટમાં એફિડેવિટ કરી હતી. જે બાદ આ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર લવ જેહાદના કેસમાં પતિ અને સાસુએ જબરજસ્તીથી સમાધાન કરાવ્યું અને વિધર્મી પતિએ છૂટાછેડા આપવા માટે પરિણીતા પાસે રૂપિયા 25 લાખની માંગણી કરી હતી.
પરિણીતાની ફરિયાદ બાદ ગોત્રી પોલીસે વિધર્મી પતિ તથા સાસુ અને સસરાની અટકાયત કરી છે. જેમની કોવિડ ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવશે.
પરિણીતાનો ચોંકાવનારો ઘટસ્ફોટ
પરિણીતાએ પોલીસ સમક્ષ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે, મારી પાસે જબરજસ્તીથી સમાધાન કરાવવામાં આવ્યું છે. 6 ડિસેમ્બરે સાંજે પતિ અને સાસુએ મને સાવરણીથી માર માર્યો હતો અને સાથે જ ધમકી પણ આપી હતી કે લવ જેહાદનો કેસ પતી ગયો છે, હવે અમારુ કામ થઇ ગયું છે. તારા પેટમાં બાળક છે તેની અને તારી અમારે હવે જરૂર નથી. એમ કહીને વિધર્મી પતિ પરિણીતાના પેટના ભાગે લાતો મારતો હતો. જ્યારે પરિણીતા મોબાઇલ લેવા ગઇ ત્યારે તેણે તેનો મોબાઇલ પણ તોડી નાંખ્યો અને કહ્યું કે, તારી પાસે રેકોર્ડિંગ હશે તો તુ પોલીસને સંભળાવીશ ને. પરિણીતાએ અન્ય ફોનથી 100 નંબર ડાયલ કરતાં મકરપુરા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો અને તે સમયે પતિ તથા સાસરિયાઓ ફરાર થઇ ગયા હતા.
પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે, હું પહેરેલા કપડે પોલીસ સ્ટેશન આવી હતી. 16 ડિસેમ્બરે જ્યારે પતિને ફોન કરીને છૂટાછેડા આપવાનું કહ્યું તો તેણે સામે 25 લાખની માંગણી કરી હતી. તેણે ધમકી આપી કે, પૈસા હોય તો વાત કરજે નહીંતર બાળક લઇને તારા બાપના ઘરે રહેજે. આ મામલે ગોત્રી પોલીસે પતિ સીર તથા સસરા અબ્દુલ કુરેશી અને સાસુ ફરીદા કુરેશીની અટકાયત કરી છે અને કોવિડ ટેસ્ટ પછી તેમની ધરપકડ કરવામાં આવશે.