Today Gujarati News (Desk)
શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે અને ત્યારે જ લીંબુના ભાવે સદી ફટકારી છે. જ્યુબેલી રિટેઇલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ 100થી 120 રૂપિયા છે. હજુ થોડાં સમય પહેલાં જ લીંબુ 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા. ત્યારે 100 રૂપિયાએ ભાવ પહોંચતા લોકોને વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, લીંબુના ભાવમાં હજુ વધારો થાય તેવી શક્યતા છે.
લીંબુના ભાવમાં મોટો વધારો
ઉનાળામાં ગરમીથી બચવા અને લૂ ન લાગે તે માટે લીંબુનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. લીંબુ શરબત, લીંબુ સોડા વગેરેનો આગ્રહ રાખે છે. પરંતુ આ વર્ષે લીંબુયુક્ત ઠંડા પીણાંનો આગ્રહ મોંઘો પડશે તેમ લાગી રહ્યું છે. કારણ કે, ઉનાળાના પ્રારંભે સ્વાસ્થ્યવર્ધક અને રોજિંદા ઉપયોગી થતા એવા લીંબુના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે.લીંબુના વેપારીઓનું કહેવું છે કે, હાલ અજય લીંબુના ભાવ વધ્યા છે. કારણ કે, લીંબુની આવક સામે માગ વધી રહી છે. તેને કારણે ભાવ વધારો થયો છે. રાજકોટમાં શિયાળામાં દરરોજ 700 કિલો લીંબુ વેચાતા હતા અને હવે ઉનાળામાં તે વધીને 1000થી 1200 કિલો સુધી માગ પહોંચશે.
કાળઝાળ ગરમી વચ્ચે ડી હાઇડ્રેશનથી બચવા માટે લોકો લીંબુ શરબત તેમજ લીંબુ સોડાનો મહત્તમ ઉપયોગ કરતા હોય છે. તેથી જ ઉનાળા દરમિયાન લીંબુની માગ પણ મોટા પ્રમાણમાં વધતી હોય છે. તો બીજી તરફ, લીંબુની આવકમાં પણ મોટો ઘટાડો થતો હોય છે. તેથી લીંબુના ભાવ આસમાને પહોંચતા હોય છે. આ બધાની વચ્ચે ગૃહિણીઓની સ્થિતિ કફોડી બનતી હોય છે. કારણ કે, લીંબુ દરેક શાકમાં જરૂરી હોય છે. ત્યારે ઉનાળામાં ગૃહિણીઓ પણ મોંઘા ભાવના લીંબુ ખરીદવા મજબૂર બનતા હોય છે.