Today Gujarati News (Desk)
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અગ્નિપથ યોજનાને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે યોજના વિશે કહ્યું કે, આ એક પરિવર્તનકારી નીતિ છે, જે ભવિષ્યમાં સુરક્ષા બળોને વધુ મજબૂત બનાવવાની બાબતે ગેમ ચેન્જર સાબિત થશે. વડાપ્રધાને આ નિવેદન ત્રણે સેનામાં ભરતી થયેલા અગ્નિવીરોની પ્રથમ બેચને વીડિયો કોન્ફેરન્સ સંબોધન દરમિયાન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્નિવીરોની પ્રથમ બેચને વીડિયો કોન્ફેરન્સના માધ્યમથી સંબોધન કરતા જણાવ્યું કે, સુરક્ષા બળોને આધુનિકની સાથે સાથે આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આવનારા સમયમાં સુરક્ષા બળોમાં અગ્નિવીરો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. ૉ એકવીસમી સદીમાં યુદ્ધના બદલાતા સ્વરૂપનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને સાઈબર યુદ્ધ અને સંપર્ક રહિત યુદ્ધ વિશે ચર્ચા કરી હતી. અગ્નિવીરોની ક્ષમતાની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, તેમનામાં રહેલી ભાવના સુરક્ષા બળોની બહાદુરી દર્શાવે છે, જેણે ભારતના ઝંડાને હંમેશા ઊંચો રાખવાનો પ્રયત્ન કર્યો છે. વડાપ્રધાન મોદીએ મહિલા અગ્નિવીરોને કહ્યું કે, આ યોજના મહિલા સશકિતકરણની દિશામાં અભુતપૂર્વ કામ કરી રહી છે. તેમણે નૌસેનામાં મહિલા અગ્નિવીરોના સામેલ થવા પર ખુશી જાહેર કરી હતી.