Today Gujarati News (Desk)
સોમવારના રોજ બપોરના સુમારે નવાયાર્ડ વિસ્તારમાં બાઈક ઉપર પોતાના બે સંતાનો તથા પત્ની સાથે પસાર થતા યુવકની બાઇકને કાર દ્વારા ઓવરટેક કરી રોકી અન્ય કાર અને બાઈક ઉપર ઘસી આવેલ શખ્સોએ અગાઉની અદાવતે જીવલેણ હુમલો કરી બાઈક ચાલકને મરણતોલ ફટકા મારી પત્નીના ગળામાંથી સોનાની ચેન અને 72 હજાર રોકડની થેલીની લૂંટ ચલાવી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો આ હુમલામાં તેના બે સંતાનોને પણ સામાન્ય ઈજા પહોંચી હતી.
શહેરના ગોરવા કરોડિયા રોડ ખાતે રહેતા અને અલકાપુરી વિસ્તારમાં સીએની ઓફિસ ધરાવતા આમિરખાન ઇરફાનઅલી પઠાણએ ફરિયાદમાં કહ્યું હતું કે, થોડા દિવસ અગાઉ મારા મોટાભાઈ તારીકખાન પઠાણની આરીફ ઉર્ફે ટીંકુ અબ્દુલહસન પઠાણ સાથે ઝઘડો થયો હતો. જે અંગે જવાહરનગર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. ગતરોજ બપોરના સમયે હું મારા બે સંતાનો તથા પત્ની સાથે બાઈક ઉપર કામ અર્થે નીકળ્યો હતો. આ દરમિયાન અગાઉના ઝઘડાની અદાવત રાખી નવાયાર્ડમાં દિનદયાળ શાળા પાસે એક કાર મારી બાઈકને ઓવરટેક કરી ઉભી રહી હતી. આ દરમિયાન અન્ય એક કાર તથા બાઈક સવારો પણ ઘસી આવ્યા હતા. અને આ વાહનોમાંથી હુમલાખોરોએ તારા ભાઈએ અમને કેમ માર માર્યો તેમ કહી, લાકડાના દંડા અને બેટ વડે મને માર માર્યો હતો. મને બચાવવાનો પ્રયાસ કરતી પત્ની સાથે પણ હુમલાખોરોએ ઝપાઝપી કરી તેની સોનાની ચેન બળજબરીપૂર્વક ખેંચી લીધી છે. અને રોકડ 72 હજારની રકમ સાથેની થેલીની પણ લૂંટ ચલાવી છે. આ હુમલામાં મારા પાંચ મહિનાનો દીકરો અને બે વર્ષની દીકરીને પણ સામાન્ય ઇજા પહોંચી છે. હુંએ બચાવ માટે બૂમો પાડતા હુમલાખોરો મને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણ વાહનોમાં બેસી નાસી છૂટ્યા હતા.
ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ઉમર અબ્દુલહસન પઠાણ, તોસીફ અબ્દુલહસન પઠાણ, કાલીયા ઉર્ફે આસિફ અબ્દુલહસન પઠાણ, સાહબાજ મેકુઆ, અક્રમ ઉર્ફે ગભરૂ, અબજલ ઇસ્લામ પઠાણ, પપ્પુ લાલભાઈ, ભૂરા ઉર્ફે અબ્દુલહસન પઠાણ, આરીફ ઉર્ફે ટીંકુ (તમામ રહે- ગોરવા) વિરુદ્ધ રાયોટિગ, લૂંટ, મારામારી, ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.