Today Gujarati News (Desk)
સમગ્ર રાજ્યમાં અમલમાં મુકાયેલી સુરક્ષા સેતુ સોસાયટી યોજનાના ભાગરુપે વડોદરામાં તમામ સ્કૂલોમાં ગર્લ્સને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે. ડીઈઓ કચેરી દ્વારા આ યોજના લાગુ કરવા માટે તમામ સ્કૂલોને પરિપત્ર પાઠવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સેલ્ફ ડિફેન્સની તાલીમનુ સુપરવિઝન અને સંચાલન શહેર પોલીસ કમિશનરની કચેરી દ્વારા થઈ રહ્યુ છે.સ્કૂલોને આ યોજનાના અમલ માટે સહકાર આપવા ડીઈઓ કચેરીએ જણાવ્યુ છે.સેલ્ફ ડિફેન્સની તાલીમનો આદેશ તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને લાગુ પડશે.તાલીમ આપવાનો હેતુ વિદ્યાર્થિનીઓને આત્મરક્ષણના પાઠ શીખવવાનો છે.જેથી તેઓ છેડતીખોરોનો પ્રતિકાર કરી શકે અથવા ગમે તેવી વિપરિત સ્થિતિનો સામનો કરી શકે.
તાલીમ દરમિયાન મહિલા પોલીસ પણ હાજર રહેશે તથા તાલીમ લેનાર વિદ્યાર્થિનીઓનુ એક રજિસ્ટર પણ બનાવવામાં આવશે.સેલ્ફ ડિફેન્સની તાલીમ ૧૫ દિવસની રહેશે અને જે તે સ્કૂલમાં તાલીમ પુરી થયા બાદ સ્કૂલના આચાર્યે પ્રમાણપત્ર આપવાનુ રહેશે.આ પ્રમાણપત્ર પોલીસ કમિશનર કચેરીમાં જમા કરાવવાનુ રહેશે.પોલીસ તંત્ર દ્વારા અપાયેલી સૂચના પ્રમાણે તાલીમ સત્રની જે તે વિસ્તારના પોલીસ ઈન્સેપકટરે પણ મુલાકાત લેવાની રહેશે.
તાલીમ પૂરી થયા બાદ વિદ્યાર્થિનીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત પણ કરાવવામાં આવશે.