Today Gujarati News (Desk)
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ચાણોદ મુકામે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બેંક સ્ટેટમેન્ટ લેવા ગયેલા પત્ની અને સાસુ પર કરનાળીના પૂર્વ ડેપ્યુટી સરપંચ અને તેના મિત્રએ જીવલેણ હુમલો કરતા લોકોએ વચ્ચે પડી છોડાવતા પૂર્વ ડેપ્યુટી સરપંચ અને તેનો મિત્ર ભાગી છુટ્યા હતા. આ અંગે પત્નીએ ચાણોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગઈકાલે બપોરે ચાણોદ ગામમાં રહેતા સેજલબેન માછી અને કરનાળીના પૂર્વ ડેપ્યુટી સરપંચ ભુપેન્દ્ર માછી વચ્ચે કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલી રહ્યો છે ત્યારે કોર્ટે બેંકના સ્ટેટમેન્ટ મંગાવવા જણાવ્યું હતું જેથી પત્ની સેજલબેન અને સાસુ કોકીલાબેન બંને ગઈકાલે બપોરે ચાણોદમાં આવેલી આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં બેંક સ્ટેટમેન્ટ લેવા ગયા હતા ત્યારે રસ્તામાં કરનાળીમાં જય કુબેર ગેસ્ટ હાઉસ ચલાવતા નારાયણભાઈ માછીના પુત્ર અને કરનાળીના પૂર્વ ડેપ્યુટી સરપંચ ભુપેન્દ્ર માછી અને તેનો મિત્ર મિતેશ પ્રજાપતિ કારમાં આવી પત્ની અને સાસુને રોકીને ઝઘડો કરી હુમલો કર્યો હતો જેને કારણે હંગામો મચી ગયો હતો. હુમલા દરમિયાન સ્થાનિક લોકો વચ્ચે પડતા પૂર્વ ડેપ્યુટી સરપંચ ભુપેન્દ્ર માછી અને તેનો મિત્ર મિતેશ પ્રજાપતિને પરિસ્થિતિનો ખ્યાલ આવી જતા બંને પલાયન થઈ ગયા હતા.
પત્ની સેજલબેને આ અંગે ચાણોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી આક્ષેપ કર્યો છે કે મારા પતિ સામે કોર્ટમાં ભરણ પોષણનો કેસ ચાલી રહ્યો છે તે દરમિયાન બેંકનું સ્ટેટમેન્ટ લાવવા કોર્ટે જણાવતા બેંકમાં સ્ટેટમેન્ટ લેવા જતા હતા ત્યારે રાજકીય વર્ગ ધરાવતા પૂર્વ ડેપ્યુટી સરપંચ ભુપેન્દ્ર માછીએ હુમલો કર્યો છે તેઓના ધાગધમકી ભર્યા વલણને કારણે હવે ગામમાં રહેવાનું પણ મુશ્કેલ બન્યું છે.