Today Gujarati News (Desk)
વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવની મધ્યમાં સ્થાપિત રાજસ્થાનના લાલ પથ્થરોથી નિર્મિત 111 ફૂટની ભગવાન શિવજીની પ્રતિમાને સુવર્ણથી મઢવાનું કાર્ય ત્રણ વર્ષ પહેલાં શરૂ કરાયું હતું જે પૂર્ણ થઈ ગયું છે અને શિવરાત્રીએ વિધિવત રીતે તેનું અનાવરણ થવાનું છે
. તે પૂર્વે આજે શિવજીની પ્રતિમા પરનું આવરણ હટાવી દેવામાં આવતા સુવર્ણ જડિત ભગવાન શ્રી સર્વેશ્વર મહાદેવના દર્શન થયા હતા. આ દર્શનનો લાભ લેવા માટે શહેરીજનોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. શિવજીની પ્રતિમાનું સ્થાપન કરનાર અને સુવર્ણ થી જડવાનું કાર્ય કરનાર સત્યમ શિવમ સુન્દરમ સમિતિના સ્થાપક અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલે કહ્યું હતું કે સાડા સાત કરોડના ખર્ચે સુવર્ણ જડિત પ્રતિમાનું કાર્ય પૂર્ણ થયું છે. પ્રતિમાને પક્ષીઓથી બચાવવા માટે અલ્ટ્રાસાઉન્ડ સિસ્ટમ લગાડવામાં આવી છે. ઉપરાંત બે ગેસ ગન પણ લગાડવામાં આવી છે આ ગન થી સમયાંતરે ધડાકા થતા રહેશે. એટલે પક્ષીઓ નજીક નહીં આવે બે દિવસ પછી શિવરાત્રી છે અને દર વર્ષે પરંપરા મુજબ આ વર્ષે પણ શિવજી કી સવારી ધામધૂમથી નીકળશે.