Today Gujarati News (Desk)
વડોદરાના સુરસાગર તળાવની મધ્યમાં બિરાજીત સર્વેશ્વર મહાદેવજીની સુવર્ણજડીત પ્રતિમા પર વિશિષ્ટ પ્રકારના લાઈટીંગ ફિક્સરની વ્યવસ્થા કાયમી ધોરણે કરવા પાછળ રૂ.20 લાખનો ખર્ચ થયો છે.વડોદરા શહેરનાં મધ્યે આવેલ સુરસાગર તળાવની મધ્યે સર્વેશ્વર મહાદેવજીની પ્રતિમા બીરાજે છે છેલ્લા કેટલાક સમયથી તેનાં પર સુવર્ણ જડવાની ચાલતી કામગીરી હવે પૂર્ણ થયેલ છે. મહાશિવરાત્રીનાં પાવન પર્વે સુર્વણ જડિત સર્વેશ્વર મહાદેવજીની પ્રતિમાનું અનાવરણ અને મહાઆરતીનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ગઈ તા.18મી ફેબ્રુ.એ યોજાયો હતો.
આ પ્રસંગે સુરસાગર તળાવની મધ્યમાં સુર્વણ જડિત સર્વેશ્વર મહાદેવજીની પ્રતિમાનાં રાત્રી દરમ્યાન દર્શન થાય તે માટે વિશિષ્ટ પ્રકારની લાઈટીંગ ફિક્સરની વ્યવસ્થા કાયમી ધોરણે કરવામાં આવી હતી.
કોર્પોરેશનના સ્ટ્રીટલાઇટ વિભાગ દ્વારા સુર્વણ જડિત સર્વેશ્વર મહાદેવજીની પ્રતિમા આસપાસ કાયમી ધોરણે લાઇટિંગ ફિક્સર કરવામાં આવી હતી. જે અંગે ફિક્સર લાઈટ સહિત નવી સ્પોટ લાઈટો, વોલ વોશર સહિત ગ્રાઉન્ડ લાઈટ કાર્યરત કરાઈ હતી. આ અંગે મ્યુનિ. કમિ.ને પ્રાપ્ત થયેલ સત્તા મુજબ ઇલેક્ટ્રિકલ લાઇસન્સ કોન્ટ્રાક્ટરો પાસેથી ભાવ મંગાવાયા હતા.લાઈસન્સ ધરાવતા જે મુજબ સૌથી લોએસ્ટ ઓફર રૂ.20,46,000 આવી હતી. જેથી આ કામગીરી કરાવવામાં આવી હતી.માં કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટર મારફત કરાવેલ કામગીરી બાબતે સ્થાયી સમિતિની આગામી બેઠકમાં મંજૂરી અર્થે રજૂ કરાશે. આ કામગીરીનો ખર્ચ સ્ટ્રીટલાઈટનાં કેપિટલ બજેટ હેઠળ પાડવા અર્થે ચીફ એકાઉન્ટન્ટે પણ નાંણાકીય સમર્થન આપ્યું હતું. રાજ્ય સરકારની ગ્રાન્ટ પ્રાપ્ત થયેથી આ કામગીરીનો ખર્ચ ગ્રાન્ટ હેઠળ તબદિલ કરવામાં આવશે.